ચીન સાથેનો સીમાવિવાદ ન ઉકેલાય ત્યાં સુધી સંબંધ સામાન્ય નહિ થાય: જયશંકર | મુંબઈ સમાચાર
નેશનલ

ચીન સાથેનો સીમાવિવાદ ન ઉકેલાય ત્યાં સુધી સંબંધ સામાન્ય નહિ થાય: જયશંકર

નાગપુર: વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે ચીન સાથેનો સીમાવિવાદ જ્યાં સુધી નહિ ઉકેલાય ત્યાં સુધી તેની સાથેના સંબંધ સામાન્ય નહિ થાય.

તેમણે ‘ભૌગોલિક-રાજકારણમાં ભારતનો ઉદય’ વિષય પર અહીં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન સરહદ પર મોટા પાયે લશ્કરી જમાવટ નહિ કરવા સહમત થયા હતા, પરંતુ ચીને આ સમજૂતીનો ૨૦૨૦માં ભંગ કર્યો હતો. ચીને સરહદ પરની લાઇન ઑફ એક્ચ્યુઅલ ક્ધટ્રૉલ ખાતે મોટી સંખ્યામાં સૈનિકો ગોઠવી દીધા હતા અને તેને પગલે ગલવાન ખાતે ઘર્ષણ ઊભું થયું હતું. જયશંકરે જણાવ્યું હતું કે ચીને જ્યાં સુધી સીમાવિવાદ ન ઉકેલાય ત્યાં સુધી ભારત સાથેના અન્ય
સંબંધ સામાન્ય બનવાની આશા રાખવી ન જોઇએ. મેં ચીનના વિદેશ પ્રધાનને પણ આ વાત સ્પષ્ટ શબ્દોમાં જણાવી હતી. ઘણી વખત જટિલ સમસ્યાનો જલદી ઉકેલ નથી આવતો.

માલદીવ સાથેના હાલના વિવાદ અંગે પુછાયેલા સવાલના જવાબમાં જયશંકરે જણાવ્યું હતું કે માલદીવના રાજકારણીઓ સાથેના સંબંધ ભલે નરમ-ગરમ રહ્યા કરે, પણ ભારત અને માલદીવના લોકો વચ્ચેના સંબંધ ઘણાં જ સારા છે. ભારતે માલદીવને અનેક રસ્તા બાંધવામાં, વીજળીના ટ્રાન્સમિશનની લાઇન્સ નાખવામાં, ઈંધણનો પુરવઠો પૂરો પાડવામાં, પર્યટન વિકસાવવામાં ઘણી મદદ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે ઘણાં લોકો ઇચ્છે છે કે વિશ્ર્વની અગ્રણી આર્થિક સત્તા બનવાની દિશામાં આગળ વધી રહેલા ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સ્થાન આપવું જોઇએ.
જયશંકરે જણાવ્યું હતું કે ભારતમાં હવે રોજગારીની તક વધી રહી છે. વિદેશોમાં પણ ભારતીય નિષ્ણાતોની માગમાં વધારો થયો છે. અખાતના દેશો સાથેના ભારતના સંબંધ બહુ જ દૃઢ થઇ ગયા છે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button