નેશનલ

રામલલ્લાની પ્રતિમાને લઈને મુર્તિકારના પત્નીએ કહ્યું,’ હજુ પૂર્ણ તસવીર આવવાની બાકી, …આ માટે વાપર્યો બ્લેક સ્ટોન

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ગુરુવારે રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન રામલલાની પ્રથમ તસવીર પણ સામે આવી હતી.પરંતુ રામલલાની આ પ્રતિમા તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્નીનું કહેવું છે કે રામલલાની પ્રતિમાની સંપૂર્ણ તસવીર હજુ સામે આવી નથી.

મૂર્તિકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતાનું કહેવું છે કે રામ મંદિરના અભિષેક પહેલા રામલલાની તસવીરો લીક થવાથી તે થોડા દુખી છે. પરંતુ ખુશીની વાત એ છે કે રામલલાની મૂર્તિને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. આટલો પ્રેમ મેળવીને પોતે ખૂબ જ સન્માનની લાગણીઓ અનુભવી રહ્યા છે. અને કહે છે કે આનાથી અમારું જીવન ધન્ય બની ગયું છે.

મૂર્તિની તસ્વીરો વાયરલ થવા પર તે કહે છે કે ભલે રામલલાની મૂર્તિની તસવીર સામે આવી છે. પરંતુ હજુ સુધી પ્રતિમાની સંપૂર્ણ તસવીર સામે આવી નથી. મેં જાતે જોયું પણ નથી. જો કે, તેણે પૂર્ણ તસ્વીર વિશે વધુ માહિતી આપી ન હતી. તેમણે માત્ર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન થતાં નેત્ર મિલન પરંપરાની વાત કહી હતી.

મુર્તિના બ્લેકસ્ટોનની પસંદગીને લઈને વાત કરતાં તે જણાવે છે કે રામલલાની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પથ્થરની ખાસ વાત એ છે કે દૂધનો અભિષેક કરવાથી આ પથ્થર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ પડતો નથી. આ પથ્થરને કોઈપણ પ્રકારના એસિડ કે અન્ય પદાર્થથી નુકસાન થશે નહીં અને હજારો વર્ષો સુધી આ રીતે જ રહેશે.

આપને જણાવી દઈએ કે આ પહેલા જ્યારે રામલલાની મૂર્તિની તસવીરો સામે આવી ત્યારે તેને સફેદ કપડાથી ઢાંકી દેવામાં આવી હતી. મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી રામલલાની 51 ઈંચની મૂર્તિ ગુરુવારે વહેલી સવારે મંદિરમાં લાવવામાં આવી હતી.

મૂર્તિકાર અરુણ યોગીરાજ કર્ણાટકના રહેવાસી છે. મૈસુરના પ્રસિદ્ધ શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા શિલ્પકાર છે. અરુણ એ મૂર્તિકાર છે જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. અરુણના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર છે. તેમના દાદા બસવન્ના શિલ્પી મૈસુરના રાજા દ્વારા સંરક્ષણ મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button