દિલ્હી-NCRમાં રેડ એલર્ટ: ભારે વરસાદ, વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત, પાણીમાં ગરકાવ થયા વાહનો

નવી દિલ્હી: દેશમાં એકસમયે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે તેવા સમયે દેશનાં અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. આ દરમિયાન દિલ્હી અને NCRમાં રવિવારે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. શનિવારે મોડી રાતથી શરૂ થયેલા તેજ પવન અને વાવાઝોડા બાદ રવિવારે વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખબક્યો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ (IMD) દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
બસ અને એક કાર પાણીમાં ગરકાવ
હવામાન વિભાગે ૪૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની ચેતવણી આપી હતી. આ તેજ પવન ફૂંકાવાને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો અને તેની ડાળીઓ ધરાશાયી થઈ હતી. ભારે વરસાદના કારણે ધૌલા કુઆં, ITO, મોતી બાગ, દિલ્હી કેન્ટ, દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1 અને મિન્ટો રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિલ્હીમાં પડેલા ભારે વરસાદને કારણે દિલ્હી કેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં એક બસ અને એક કાર પાણીમાં ગરકાવ થઈ હતી.
આપણ વાંચો: સીબીએસઇનો 3 થી 11 વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા પરિપત્ર, જુલાઇ માસથી અમલની શક્યતા
IMDએ વ્યક્ત કરી ધૂળની આંધીની શક્યતા
શનિવારે IMD એ દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરતા વાવાઝોડાની શક્યતા વ્યકત કરી હતી. શહેરના કેટલાક ભાગોમાં તેજ પવન કે ધૂળની આંધીઓ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ સાથે જ વીજળીના કડાકા સાથે અને તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત રહેવા માટે તમામ જરૂરી સાવચેતીઓ રાખવા અપીલ કરી છે. IMD એ લોકોને ખુલ્લી જગ્યાઓથી દૂર રહેવા, વૃક્ષો નીચે આશ્રય ન લેવા, નબળી દીવાલો કે અસ્થિર બાંધકામોથી બચવા અને જળાશયોથી દૂર રહેવાની ચેતવણી પણ આપી છે.
વીજળી ગુલ થવાની ઘટનાઓ
નોંધનીય છે કે ગત બુધવારે સાંજે પણ દિલ્હીમાં ધૂળની આંધી બાદ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાયા હતા, જે બાદમાં 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગયા હતા. આ સાથે વરસાદ અને કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા હતા. આ ભારે પવનના કારણે રાજધાનીના અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.