નેશનલ

માનો યા ના માનોઃ લંડન કરતા પ્રયાગરાજ પહોંચવાનું બન્યું મોંઘું

ફ્લાઈટના ભાડાં આસમાને, ટ્રેનો હાઉસફૂલ, ખાનગી વાહનોનો ટ્રાફિકમાં થશે વધારો

નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં ૧૪૪ વર્ષ બાદ ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં અત્યાર સુધીમાં ૧૨ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચુક્યા છે. મહાકુંભમાં દરરોજ કરોડો લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. બસ અને ટ્રેનમાં ટિકિટ નહીં મળતા લોકો સંગમમાં ડૂબકી મારવા માટે ફ્લાઈટ દ્વારા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યની સરકારે બસ દોડાવવાની જાહેરાત કર્યા પછી સરકારી વાહનોની સાથે ખાનગી વાહનોના ટ્રાફિકમાં ઔર વધારો થશે.

દિલ્હી અને મુંબઈથી પ્રયાગરાજ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે, તેથી એરલાઈન્સ કંપનીઓએ દિલ્હી અને મુંબઈથી પ્રયાગરાજ જતી ફ્લાઈટના ભાડામાં અનેક ગણો વધારો કર્યો છે. ૨૯મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યા, ત્રીજી ફેબ્રુઆરીએ વસંત પંચમી અને બારમી ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમાના શાહી સ્નાનને ધ્યાનમાં રાખીને એરલાઇન કંપનીઓએ પ્રયાગરાજની ટિકિટ ભાડામાં અનેકગણો વધારો કર્યો છે. સામાન્ય રીતે દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઈટની ટિકિટ દસથી ૧૫ હજાર રૂપિયા હોય છે. જ્યારે મુંબઈથી પ્રયાગરાજનું ભાડું પણ લગભગ એટલું જ હોય છે. પરંતુ શાહી સ્નાનની તારીખો માટે પ્રયાગરાજ જવાનું ભાડું પચાસથી 60,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે.

૩ ફેબ્રુઆરીના રોજ, દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઈટ ટિકિટ ૫૦,૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે મુંબઈથી પ્રયાગરાજની ફ્લાઈટની ટિકિટ ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ રૂપિયાની વચ્ચે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ૩ ફેબ્રુઆરીએ દિલ્હીથી લંડનની ફ્લાઈટનું ભાડું ૩૦,૦૦૦થી ૩૭,૦૦૦ રૂપિયા છે.

Also read: પ્રયાગરાજમાં આજે લાગશે જ્યોતિષનો મહાકુંભ

દિલ્હીથી પ્રયાગરાજનું હવાઈ અંતર લગભગ ૫૭૮ કિમી છે જ્યારે દિલ્હી અને લંડન વચ્ચેનું અંતર લગભગ ૬૭૪૪ કિમી છે. ૩ ફેબ્રુઆરીએ દિલ્હીથી સિંગાપોર ફ્લાઇટનું ભાડું ૨૪ થી ૨૫ હજાર રૂપિયાની આસપાસ છે. દિલ્હીથી સિંગાપોરનું હવાઈ અંતર ૪૧૫૫ કિમી છે. ડીજીસીએની સાથે સરકાર પણ પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું જાણીને આશ્ચર્યમાં છે. જ્યાં એક તરફ ડીજીસીએ એરલાઇન કંપનીઓને વાજબી ભાડું વસૂલવાની અપીલ કરી છે, તો બીજી તરફ સરકારે આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને મહત્વની બેઠક બોલાવી છે.

તમને જણાવી દઈએ કે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની જબરદસ્ત માંગને કારણે ઘણી વધારાની ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ડીજીસીએ એ તાજેતરમાં પ્રયાગરાજ માટે ૮૧ એડિશનલ ફ્લાઈટ્સને મંજૂરી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button