નવી દિલ્હી: રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે આદેશ જારી કર્યો છે કે ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની પેટીએમની બૅકિંગ શાખા
પેમેન્ટ બૅન્કને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક પીપીબીએલમાં જોડાઈ શકશે નહીં.
પેટીએમ પેમેન્ટ બૅન્કમાં નવા ગ્રાહકો ઉમેરવા પર નિયંત્રણો લાદવા ઉપરાંત, આરબીઆઈએ એક આદેશ પણ જારી કર્યો છે કે પેટીએમ પેમેન્ટ બૅન્કને ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ પછી કોઈ પણ ગ્રાહકના અકાઉન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં જમા/ટોપ-અપ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બૅન્કના ગ્રાહકો દ્વારા સેવિંગ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાસ્ટટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સહિત તેમના ખાતામાં જમા રહેલી રકમ કાઢવા અથવા તેનો ઉપયોગમાં કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં આવશે નહીં. આરબીઆઈએ બૅકિંગ રેગ્યુલેશન એક્ટ-૧૯૪૯ની કલમ ૩૫અ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બૅંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
પેટીએમ પેમેન્ટ બૅંક પર રિઝર્વ બૅંક દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી અંગે કહેવામાં આવ્યું છે કે ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સ દ્વારા ચકાસવામાં આવેલ રિપોર્ટ બાદ પેટીએમની બૅકિંગ સર્વિસમાં નોન-કોમ્પ્લિએંસ અને મટિરિયલ સુપરવાઇઝરી ચિંતાઓ પ્રકાશમાં આવી છે.
આ બધાની વચ્ચે, આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ આદેશ હેઠળ, નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધની સાથે, ચાલુ ગ્રાહકોના ખાતામાં ટ્રાન્ઝેક્શન પર પણ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રિઝર્વ બૅંકના આ નિર્ણયની અસર ગુરુવારે પેટીએમના શેર પર જોવા મળી શકે છે. નોંધનીય છે કે આ પહેલા પણ કંપનીના શેરમાં ૨૦ ટકા સુધીનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. તેની પાછળનું કારણ પેટીએમ પેમેન્ટ બૅંકની નાની પોસ્ટપેડ લોન ઘટાડવાની યોજના હોવાનું કહેવાય છે.
જો કે, કંપનીની એનાલિસ્ટ મીટમાં, નાના કદની પોસ્ટપેડ લોન ઘટાડવા અને મોટા કદની પર્સનલ લોન અને મર્ચન્ટ લોન વધારવાની યોજના જાહેર કરવામાં આવી હતી. પરંતુ, બ્રોકરેજ હાઉસને કંપનીની આ યોજના પસંદ ન આવી અને તેઓએ કંપનીની આવકના અંદાજમાં ઘટાડો કર્યો. હવે પેટીએમ પર આરબીઆઈના આ આદેશની ખરાબ અસર કંપનીના શેર પર દેખાઈ શકે છે.