2000 રૂપિયાની નોટને લઈને આરબીઆઈએ કરી આવી જાહેરાત… આજે જ કરી લો આ કામ…

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 19મી મે, 2023ના રૂપિયા 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો અને નાગરિકો તેમની પાસે રહેલી આ 2000 રૂપિયાની નોટ બેંકમાં જઈને બદલી શકતા હતા. પરંતુ હવે આરબીઆઈ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની 97.26 ટકા નોટ બેન્કો પાસે પાછી આવી ગઈ છે, જ્યારે 9,760 કરોડની નોટ હજી પણ બહાર છે.
રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે 19મી મે, 2023ના 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવી હતી અને આ નોટની કિંમત 3.56 લાખ કરોડ રૂપિયા જેટલું હતું. 30મી નવેમ્બરના આંકડાની વાત કરીએ તો હજી પણ 9,760 કરોડની કિંમતની 2000 રૂપિયાની નોટ હજી પણ ચલણમાં છે.
આરબીઆઈ દ્વારા આ મામલે એવી માહિતી પણ આપવામાં આવી હતી કે 19મી મે, 2023 સુધી ચલણમાં રહેલી 2000 રૂપિયાની કુલ નોટમાંથી 92.26 ટકાથી વધુ નોટ પાછી આવી ગઈ છે. 2000 રૂપિયાની બેન્ક નોટ હજી પણ માન્ય ગણાશે. નાગરિકો દેશભરમાં આવેલી 19 આરબીઆઈની ઓફિસમાં જઈને આ નોટ જમા કરી શકે છે કે બદલી શકે છે. લોકો 2000 રૂપિયાની નોટ સીધા પોતાના ખાતામાં જમા કરાવવા માટે તેને વીમાકૃત પોસ્ટના માધ્યમથી રિઝર્વ બેન્કની રિજનલ ઓફિસમાં મોકલી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં નોટ બદલાવવાની મર્યાદા 30મી સપ્ટેમ્બર સુધીની હતી અને ત્યારબાદ તેને લંબાવીને સાતમી ઓક્ટોબર કરવામાં આવી હતી. બેન્કોમાં આ નોટ જમા કરાવવાની સેવા સાતમી ઓક્ટોબરના સમાપ્ત કરવામાં આવી હતી.
આરબીઆઈની આ 19 ઓફિસ અમદાવાદ, બેંગલોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરૂવનંતપુરમ સ્થિત આવેલા છે.