![RBI order banks stop decline asset value Speedy Declare Willful Defaulter](/wp-content/uploads/2024/12/RBI-2.webp)
મુંબઇઃ ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં ઘણીવાર એવા સમાચાર આવે છે કે જે સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બની જતા હોય છે. અચાનક જ કોઈ બેંક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે અને ગ્રાહકો ગભરાઈ જાય છે કે તેમના પૈસાનું શું થશે. હવે આવા જ એક સમાચાર આવ્યા છે. મુંબઈમાં આવેલી ન્યુ ઇન્ડિયા કોપરેટીવ બેંકના ગ્રાહકો સામે કટોકટી ઊભી થઈ છે અને રિઝર્વ બેન્ક કે આ બેંક પર નિયંત્રણ મૂક્યા છે.
રિઝર્વ બેન્કે મુંબઈની ન્યુ ઇન્ડિયા કોપરેટીવ બેંક પર પ્રતિબંધ મૂક્યા છે જે હેઠળ બેન્કને નવી લોન આપવાની કે ડિપોઝીટ સ્વીકારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રિઝર્વ બેંકે બચત ખાતા, ચાલુ ખાતા અને કોઈ પણ ડિપોઝીટ ખાતામાંથી ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો છે. રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ બેંકની મુંબઇના અંધેરી પૂર્વમાં વિજય નગર ખાતે આવેલી બ્રાન્ચની બહાર રોકાણકારોની મોટી ભીડ જોવા મળી રહી છે.
રિઝર્વ બેંકે જણાવ્યું છે કે આ પ્રતિબંધો 13મી ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈને આગામી 6 મહિના માટે અમલમાં રહેશે. મળતી માહિતી અનુસાર બેંક છેલ્લા બે વર્ષથી સતત ખોટ કરી રહી હતી. માર્ચ 2024 માં બેંકને 22.78 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. માર્ચ 2023માં આ નુકસાન 30.75 કરોડ રૂપિયા હતું. ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે અને બેંક પર વધુ નાણાકીય દબાણ ના આવે તે માટે રિઝર્વ બેન્કે આ પગલું ભર્યું છે અને સ્પષ્ટતા કરી છે કે બેંકનું લાઇસન્સ હજી સુધી રદ કરવામાં આવ્યું નથી. બેંકની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, તેથી જે લોકોએ ન્યુ ઈન્ડિયા કો ઓપરેટિવ બેન્કમાં પૈસા જમા કરાવ્યા છે તેમને ગભરાવાની જરૂર નથી. તેમને પાંચ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળશે. આનો અર્થ એ થાય છે કે જો બેંક બંધ કરવી પડે એવો સમય આવે તો દરેક ગ્રાહકને વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા પાછા મળશે, પરંતુ જો તમારા બેંક ખાતામાં આનાથી વધારે પૈસા હોય તો તમારે બેંકની નાણાકીય પરિસ્થિતિ સુધરવાની રાહ જોવી પડશે.
Also read: Inflation : મોંધવારી મુદ્દે આરબીઆઇ ગર્વનરનું મોટું નિવેદન, કહી આ વાત
બેંક હવે નવી લોન આપી શકશે નહીં અને જૂની લોન રિન્યુ પણ કરી શકશે નહીં. બેંક નવી એફડી ખોલી શકશે નહીં. બેંક કોઈ નવું રોકાણ કરી શકશે નહીં અને કોઈને પણ ઉધાર પૈસા આપી શકશે નહીં. બેંક પોતાની સંપત્તિ વેચીને નાણાં એકત્ર કરવાનો નિર્ણય નહીં લઇ શકે. હાલમાં રિઝર્વ બેન્કે આ પ્રતિબંધો છ મહિના માટે મૂક્યા છે, પરંતુ જો બેંકની પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આ પ્રતિબંધો છ મહિનાથી વધુ પણ લંબાવવામાં આવી શકે છે.