ચોથી ઓક્ટોબરથી બદલાશે RBIની આ મહત્ત્વની સિસ્ટમ, જાણી લો તમારા પર શું થશે અસર?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ચેક ક્લિયરન્સ સિસ્ટમને લઈને મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. આ માહિતી જાણી લેવી તમારા માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે. આ નવા ફેરફાર બાદ ચેક ક્લિયરન્સ સિસ્ટમ ખૂબ જ સરળ બનશે અને ચેક પણ ઝડપથી ક્લિયર થઈ જશે. ચાલો જોઈએ શું છે આ નવો નિયમ-
શું છે નવો નિયમ?
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ નવો ફેરફાર ચોથી ઓક્ટોબરથી લાગુ થશે. અત્યાર સુધી ચેક ક્લિયર કરવા માટે 2 દિવસનો સમય લાગતો હતો, પરંતુ આ નવા નિયમ બાદ ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે અને બેલેન્સ પણ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
કઈ રીતે કામ કરશે સિસ્ટમ?
આરબીઆઈ ચેક ક્લિયરન્સ સિસ્ટમ એક નવી કન્ટિન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ છે. આ નવી સિસ્ટમ અમલમાં મૂકાયા બાદ ચેકને સ્કેન કરીને પ્રેઝેન્ટ કરવામાં આવશે અને અમુક કલાકોમાં જ તેને પાસ પણ કરી દેવામાં આવશે. આ તમામ કામ બેંકના વર્કિંગ અવર્સમાં જ સરળતાથી પૂરા કરવામાં આવશે. મોટાભાગના કેસમાં તો ચેકના પૈસા એ જ દિવસે એકાઉન્ટમાં જમા થઈ જસે. દાખલા તરીકે જો તમે સવારે ચેક જમા કરાવો છો તો તેના પૈસા બપોરે કે સાંજ સુધીમાં તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
કેટલો આપવો પડશે ચાર્જ?
સીટીએસ એક એવી સિસ્ટમ છે કે જેમાં ચેકને ફિઝિકલી અહીંયા ત્યાં મોકલવાની જરૂર પડતી નથી. ચેકને સ્કેન કરીને તેની ડિજિટલ ઈમેજ બનાવવામાં આવે છે અને ત્યાર બાદ તે ઈમેજને બેંકમાં મોકલવામાં આવે છે. હવે આરબીઆઈ દ્વારા આ પ્રક્રિયાને વધુ સ્માર્ટ બનાવી દેવામાં આવી છે અને તેની પ્રોસેસિંગ ઝડપી બનાવવામાં આવી છે. જોકે, હજી સુધી એ બાબતની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ માટે ચાર્જ વસૂલવામાં આવશે કે નહીં, કે કેટલો ચાર્જ આપવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઈ દ્વારા પોતાના બેંકિંગ સિસ્ટમને વધુ સરળ અને સુગમ બનાવવા માટે સમયાંતરે નવા નવા નિયમો અને ફેરફાર કરવામાં આવે છે, જેથી નાગરિકોનો બેંકિંગ એક્સપિરીયન્સ વધુને વધુ સારો રહે.