નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ છેલ્લા લગભગ પાંચ વર્ષમાં પહેલીવાર રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરીને 6.25% કર્યો છે અને ભારતના નાણાકીય વર્ષ 2026ના વિકાસ લક્ષ્યાંક અને 6.6% થી વધારીને 6.7 ટકા કર્યો છેમોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટના ઘટાડાની આશા રાખી હતી. જોકે, કેટલાક 50 બેસિસ પોઇન્ટના ઘટાડાની પણ અપેક્ષા રાખતા હતા. ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિએ આખરી લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને રેપોરેટમાં પોઇન્ટ 25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ હવે 6.25% થઈ ગયો છે. આ પહેલા સતત 11 વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
12,00,000 રૂપિયા સુધીની આવક પર આવકવેરો નહી વસૂલવાના સારા સમાચાર બાદ લોકોને હવે એક વધુ સમાચાર સારા જાણવા મળ્યા છે. આરબીઆઇએ પાંચ વર્ષ પછી રેપો રેટ ઘટાડ્યો છે. આનાથી હોમ લોનના વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડો થશે. આરબીઆઈએ સામાન્ય માણસોને મોટી રાહત આપી છે. રેપોરેટ ઘટાડાની સીધી અસર તમારી ઘર, કાર અને પર્સનલ લોનના વ્યાજ દરમાં પડશે. તમારા લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે. EMIમાં ઘટાડો થવાથી સામાન્ય લોકોને રાહત થશે.
Also read: તમારી લોનના EMI વધશે કે ઘટશે? RBI ગવર્નરે રેપો રેટ અંગે જાહેરાત કરી
નોંધનીય છે કે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાન્ત દાસે તેમની છેલ્લી 11 નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપોરેટમાં ઘટાડો કર્યો ન હતો અને દરેક વખતે છૂટક ફુગાવો નિર્ધારિત મર્યાદા કરતા વધારે હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે જ્યારે છૂટક ફુગાવો નિર્ધારિત મર્યાદામાં આવી ગયો છે ત્યારે રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે જેને કારણે સામાન્ય લોકો માટે સસ્તી લોનનો માર્ગ ખુલ્યો છે. આ પહેલાં કેન્દ્ર સરકારે આવકવેરામાં ઘટાડો કરીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી હતી.
સંજય મલ્હોત્રાએ ડિસેમ્બરમાં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે કાર્યભાળ સંભાળ્યો છે અને પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ કરતા તેઓ નરમ વલણ અપનાવશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.