ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે પોલિસી રેટ અંગે મોનેટરી પોલિસી કમિટી (MPC)ના નિર્ણયની જાહેરાત કરી હતી. મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ 6.5 ટકા યથવાત રાખ્યો છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મેક્રો ઈકોનોમિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ MPCએ રેપો રેટને સ્થિર રાખવા માટે બહુમતીથી નિર્ણય લીધો છે. MPCના 6માંથી 5 સભ્યોએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો.
આ સાથે RBIએ 2024-25 માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP)વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે રિટેલ ફુગાવો 2024-25માં 4.5 ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.
શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક સ્તરે રાજકીય તણાવ અને વેપાર માર્ગો પર ઉભા થયેલા વિવિધ અવરોધોને કારણે ચિંતા વધી છે. જો કે, મહત્વપૂર્ણ આર્થિક મુદ્દાઓને ઉકેલવા અને જરૂરી પગલાં લેવા માટે આરબીઆઈ વધુ સારી સ્થિતિમાં છે.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ભારતીય રૂપિયો અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓની કરન્સીની સરખામણીમાં સ્થિર છે. રૂપિયામાં વર્ષ 2023માં સૌથી ઓછી વોલેટિલિટી જોવા મળી છે.
RBI ગવર્નરે કહ્યું કે ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવાનું દબાણ વધ્યું છે અને એમપીસી ફુગાવાના જોખમને બાબતે સતર્ક છે. તેમણે કહ્યું કે ગ્રામીણ માંગ વેગ પકડી રહી છે, જેના કારણે નાણાકીય વર્ષ 2024-25માંઆર્થિક વૃદ્ધિને ટેકો મળશે.
RBIએ છેલ્લી સતત સાતમી વખત રેપો રેટ યથાવત રાખ્યો હતો. RBIની MPCની ત્રણ દિવસીય બેઠક 3 એપ્રિલે શરૂ થઈ હતી, આ બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી હતી.
રિઝર્વ બેંકના MPCએ છેલ્લે 14 મહિના પહેલા ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. તે સમયે રેપો રેટ વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. એ બાદથી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Taboola Feed