આરબીઆઈએ સતત ચોથી વાર વ્યાજદર યથાવત્ રાખ્યા
મુંબઈ: ફુગાવાને નિયંત્રણમાં રાખવાની દૃષ્ટિએ રિઝર્વ બૅન્કે મહત્ત્વના વ્યાજદર યથાવત્ રાખવાનો શુક્રવારે નિર્ણય જાહેર કર્યો હતો. રિઝર્વ બૅન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના તમામ છ સભ્યે સર્વાનુમતે રેપો રેટ 6.50 ટકા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે.
આર્થિક સ્થિરતા અને સતત આર્થિક વૃદ્ધિ માટે ફુગાવો નિયંત્રણમાં રાખવો જરૂરી છે તેવું આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું. વર્તમાન નાણાકીય વર્ષ માટે ફુગાવો 5.4 ટકા જેટલો રહી શકે તેવી આગાહી આરબીઆઈએ જાળવી રાખી છે. રિટેલ ભાવ આધારિત ફુગાવાનો વાર્ષિક દર જુલાઈમાં 15 ટકાની ઉચ્ચ સપાટીએ હતો જે ઑગસ્ટમાં ઘટીને 7.44 ટકા થયો હતો, જે હજુ પણ વધુ હોવાથી રિઝર્વ બૅન્કે વ્યાજદર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉદાર વલણ પાછું ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવામાં આવશે તેવું રિઝર્વ બૅન્કે કહ્યું હતું.
વર્તમાન નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દરની આગાહી 6.5 ટકા પર યથાવત્ રાખવામાં આવી છે.
રેપો રેટ યથાવત્ રાખવામાં આવતા સામાન્ય ગ્રાહકોની હોમ લોન અથવા કાર લોન પરના ઈએમઆઈમાં વધારો નહીં થશે. વ્યાજદર યથાવત્ રાખવાથી અને ઉદાર વલણ પાછું ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ફુગાવો કાબૂમાં રહેશે અને આર્થિક વૃદ્ધિ દરની ગતિ વધશે તેવું વેપાર ઉદ્યોગના નિષ્ણાતો માને છે. હાઉસિંગ લોન અને કાર લોનની માગ વધશે તેવી નિષ્ણાતોએ આગાહી કરી છે.
આગામી દ્વિમાસિક મોનેટરી પોલિસી 8મી ડિસેમ્બરે રિઝર્વ બૅન્ક જાહેર કરશે. રિઝર્વ બૅન્કના મહત્ત્વના વ્યાજદર યથાવત્ રાખવાના નિર્ણયને પગલે શૅરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી બંને વધીને અનુક્રમે 65995.63 અને 19653.50ની સપાટીએ બંધ થયા હતા. વ્યાજદરના વધઘટ આધારિત ફાયનાન્સિયલ, રિયલ્ટી અને ઓટો ક્ષેત્રના શેર્સમાં ઉછાળો નોંધાયો હતો.