
મુંબઈ : ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે યુએસ આજથી નવી ટેરિફ નીતિ અમલી બનાવવાની જાહેરાત કરી છે. જોકે, આ દરમિયાન દેશના આર્થિક વિકાસને જાળવી રાખવા માટે આરબીઆઈના ગર્વનર સંજય મલ્હોત્રાએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે જો અમેરિકા નવી ટેરિફ નીતિ અમલી બનાવશે તો આરબીઆઈ તેનાથી પ્રભાવિત થનારા ક્ષેત્રોને મદદ કરશે. તેમજ આ સંકટમાં સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોને નાણાંકીય મદદની જરૂર પડશે.
નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રને મજબૂત ટેકો
આરબીઆઈ ગવર્નર મલ્હોત્રાએ મુંબઈમાં ફિકકી અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “કોવિડ દરમિયાન, આરબીઆઈ એ ટર્મ લોન પર મોરેટોરિયમ આપી નાના અને મધ્યમ ક્ષેત્રો માટે લોન મેળવવાનું સરળ બનાવ્યું હતું. નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રને મજબૂત ટેકો આપવામાં આવ્યો હતો. જોકે, બંને દેશો વચ્ચે ટેરિફ પર વાટાઘાટો ચાલી રહી છે. અમને આશા છે કે તેની ન્યૂનતમ અસર થશે. 45 ટકા વસ્તુઓ ટેક્સ નેટની બહાર છે. જયારે 55 ટકામાંથી જેમ્સ અને જ્વેલરી, ટેક્સટાઇલ, ઓટો પાર્ટ્સ, ઝીંગા અને એમએસએમઈ જેવા કેટલાક ક્ષેત્રોને અસર થશે.
રેપો દરમાં એક ટકાનો ઘટાડો કર્યો
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર એ બાબત પર વિચાર કરી રહી છે કે અર્થ વ્યવસ્થામાં તરલતા માટે રેપો દરમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. અર્થ વ્યવસ્થામાં વૃદ્ધિ માટે સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રો માટે જે સહાયતા જરૂરી હશે કરવામાં આવશે. રૂપિયાને આંતર રાષ્ટ્રીય સ્તરે સ્થિર રાખવાના પણ પ્રયાસ કરવામાં આવશે. જેની પર આરબીઆઈ વર્ષોથી કામ
કરી રહ્યું છે.
ચાર દેશ સાથે રૂપિયાના વેપાર માટે કરાર
આરબીઆઈ ગવર્નરે વધુમાં જણાવ્યું કે, ભારત હાલમાં માલદીવ, મોરેશિયસ, ઇન્ડોનેશિયા અને યુએઈ સહિત ચાર દેશો સાથે રૂપિયામાં વેપાર માટે કરાર ધરાવે છે. સ્થાનિક ચલણમાં સારો વેપાર થઈ રહ્યો છે. સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે તેને વિકસાવવામાં વર્ષો લાગશે.
આપણ વાંચો: ટ્રમ્પની બમણી ટેરિફ નીતિ આજથી થશે લાગુ, USએ નોટિફિકેશન કર્યું જાહેર