
નવી દિલ્હીઃ પોતાની વિવિધ માગણીઓ માટે 22થી 25 માર્ચ કામ ન કરવાનો અને વિરોધ પ્રદશર્ન કરવાનો નિર્ણય બેંક યુનિયને લીધો છે. તેમની ઘણી માગણીઓમાંની એક છે અઠવાડિયાના પાંચ દિવસ કામના રાખવા અને શનિ-રવિ બેંકમાં રજા રાખવી. (Banks 5 Day Working)
આ પણ વાંચો : RBI બનાવશે તમારા બેંકિંગ પેમેન્ટને વધારે સુવિધાજનક, જાણો કઈ રીતે…
એક અહેવાલ પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બેંક યુનિયનની આ માગણીનો સ્વીકાર કરી લીધો છે અને પહેલી એપ્રિલ એટલે કે સાત દિવસ બાદથી જ આ નિર્ણયનો અમલ થશે અને બેંક શનિ-રવિ બંધ રહેશે.
સરકારે કરી સ્પષ્ટતા
આરબીઆઈએ આવો નિર્ણય લીધો હોવાના અહેવાલ મામલે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારી મીડિયા એજન્સી પીઆઈબીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આવી કોઈ જાહેરાત આરબીઆઈ કે સરકાર તરફથી થઈ નથી કે કોઈ બેઠકમાં આવો નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે અને પહેલા અને ત્રીજા શનિવારે ખુલી રહે છે તે પ્રમાણે જ કામકાજ ચાલશે.
શું છે યુનિયનની માગણી
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) આ હડતાલ તમામ કેડરમાં પર્યાપ્ત ભરતી, હંગામી કર્મચારીઓને કાયમી કરવા અને બેંકિંગ સેક્ટરમાં પાંચ દિવસીય કામકાજના સપ્તાહના અમલ જેવી મુખ્ય માગણીઓ સાથે કરવામાં આવી રહી છે. UFBUમાં નવ મુખ્ય બેંક યુનિયનોનો સમાવેશ થાય છે, જે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વિદેશી બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોના આઠ લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો : એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?
બેંક યુનિયનોની માંગ છે કે તમામ શાખાઓમાં પર્યાપ્ત સ્ટાફની નિમણૂક થવી જોઈએ, જેથી ગ્રાહકોને વધુ સારી સેવા મળી શકે કારણ કે હાલનો સ્ટાફ કામનો બોજ અનુભવે છે. આ ઉપરાંત સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી પર્ફોર્મન્સ રિવ્યુ અને પ્રોડક્ટિવિટી લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પાછી ખેંચવાની માંગણી કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે આ નીતિઓને લીધે નોકરીની સુરક્ષિતતા રહેતી નથી, કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે ભેદભાવ પેદા કરે છે અને જાહેર ક્ષેત્રની બેંકોની સ્વાયત્તતાને નબળી પાડે છે.