IRCTCના ફૂડ સ્ટોલ પર ઉંદરોની મિજબાનીનો વીડિયો વાઇરલ..

મધ્યપ્રદેશ: આપણા દેશમાં ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોને સારી ગુણવત્તાવાળું ભોજન અને સ્વચ્છતા એ કાયમ એક પ્રશ્નાર્થ રહ્યો છે. દેશમાં સ્ટીમ એન્જિનમાંથી બુલેટ ટ્રેન સુધીનો વિકાસ થઇ ગયો પરંતુ રેલવેની અમુક બાબતો ક્યારેય બદલાતી નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેજસ એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઇ જવા નીકળેલા એક યુવકે ટ્રેનમાં જે ખાવાનું મંગાવ્યું હતું તેમાંથી ઇયળ નીકળી હતી, અને હવે વધુ એક વીડિયો ફરતો થયો છે જેમાં IRCTCના ફૂડ સ્ટોલ પર ભોજન ઉઘાડું હતું અને તેમાંથી ઉંદરો મિજબાની માણી રહ્યા હતા.
સોશિયલ મીડિયા સાઇટ X પર એક વ્યક્તિએ અપલોડ કરેલી ફૂટેજમાં ખુલ્લામાં પડેલા ખોરાક પર ઉંદરોના આંટાફેરા કેમેરામાં કેદ થયેલા જોઇ શકાય છે. શેર કરનાર વ્યક્તિએ કેપશનમાં લખ્યું, “IRCTCની ફૂડ ઇન્સ્પેક્શન ડ્યૂટી પર ઉંદરો.. આ જ કારણોસર હું રેલવે સ્ટેશન પરથી ખાવાનું ખરીદતો નથી..” મધ્યપ્રદેશના ઇટારસી જંક્શન રેલવે સ્ટેશનનનો આ વીડિયો હતો. વીડિયો વાઇરલ થયા બાદ IRCTCએ પ્રતિક્રિયા આપી હતી અને ઘટનાની તપાસ કરવામાં આવશે તેવું જણાવી કાર્યવાહીની ખાતરી આપી હતી.
IRCTCના અધિકારીઓએ ડિવિઝનલ રેલ્વે મેનેજર, તથા ભોપાલ ડિવિઝનના અધિકારીઓને વીડિયોમાં ટેગ કર્યા હતા. શેર કરનાર વ્યક્તિને તેનો મોબાઇલ નંબર સહિતની મુસાફરીની વિગતો શેર કરવાનું કહી રેલવેનો હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરવાનો અનુરોધ કર્યો હતો.
ભોપાલ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) એ પણ પોસ્ટ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ‘સંબંધિત અધિકારીઓને ત્વરિત પગલા લેવા અંગેની જાણ કરવામાં આવી છે.’
સોશિયલ મીડિયામાં અન્ય યુઝર્સ દ્વારા પણ મોટા પ્રમાણમાં વીડિયો શેર કરવામાં આવ્યો છે. ઘણા યુઝર્સે IRCTCની સેવાઓની ટીકા કરી સુવિધાઓ સુધારવા અંગે રેલવે વિભાગને તાકીદ કરી હતી.