ભારતના આ બે ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિઓનો આજે જન્મદિવસ પણ અફસોસ…
28મી ડિસેમ્બરનો દિવસ ભારતીય ઉદ્યોગજગત માટે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આ જ દિવસે બે દિગ્ગજ અને ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિઓનો આજે જન્મદિવસ છે. બેમાંથી એક ઉદ્યોગપતિ તો આ જ વર્ષે આપણા વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે જ્યારે બીજા ઉદ્યોગપતિના નિધનને બે દાયકા કરતાં પણ લાંબો સમય થઈ ગયો છે. આ બે ઉદ્યોગપતિ એટલે રતન ટાટા અને ધીરુભાઈ અંબાણી. ચાલો જાણીએ આ બંને ઉદ્યોગપતિઓના જીવનની કેટલીક સામ્યતાઓ વિશે.
ધીરુભાઈનો જન્મ 28મી ડિસેમ્બર, 1932ના ગુજરાતના નાનકડાં ગામ ચોરવાડ ખાતે થયો હતો જ્યારે તેમનું નિધન છઠ્ઠી જુલાઈ, 2002ના થયું હતું. કપડાં નાનકડા વેપારથી શરૂઆત કરીને ધીરુભાઈએ પોતાની સૂઝબૂઝ અને લગનથી રિટેલ, એનર્જી, મીડિયા એન્ટરટેઈન્ટમેન્ટ અને ડિજિટલ સર્વિસ સુધી પોતાની પાંખો ફેલાવી હતી. જ્યારે રતન ટાટાની વાત કરીએ તો તેમનો જન્મ 28મી ડિસેમ્બર 1937ના થયો હતો. ધીરુભાઈની જેમ જ રતન ટાટાએ પણ અનેક મોર્ચે સફળતા હાંસિલ કરીને અને તેમણે ભારતની પહેલી એસયુવી ટાટા સફારી લોન્ચ કરી હતી.
આ પણ વાંચો: શ્રી રતન ટાટાની ગેરહાજરી દેશમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં અનુભવાય છે
જે લોકો ધીરુભાઈ વિશે જાણતા હશે એમને ખ્યાલ હશે કે તેમણે એક સમયે પેટ્રોલ પંપ પર 300 રૂપિયાની નોકરી કરી હતી. પરંતુ જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેઓ કરોડોની સંપત્તિના માલિક હતા. ધીરુભાઈએ 18 વર્ષની વયે યમનમાં નોકરી કરી પરંતુ આખરે 1958માં તેઓ ભારત આવ્યા અને અહીં તેમણે રિલાયન્સના પાયા નાખ્યા.
ધીરુભાઈના જીવનના સૌથી ટર્નિંગ પોઈન્ટ વિશે વાત કરીએ તે 1982ની એ ઘટનાનો ઉલ્લેખ ચોક્કસ આવે. આ એ સમય હતો જ્યારે શેરબજારના દલાલોએ ધીરુભાઈને નુકસાન પહોંચાડવા માટે ષડયંત્ર રચ્યું હતું. તેમનો પ્લાન હતો કે ધીરુભાઈની કંપનીના શેરને નીચલા લેવલ પર લઈ જઈને બાદમાં એ શેર ખરીદીને નફો કમાવવાનો. પરંતુ ધીરુભાઈએ આ ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું અને પોતાની આગવી સૂઝબૂઝ પરિચય આપ્યો.
આ પણ વાંચો: પુત્રના લગ્નમાં પિતા ધીરુભાઈને આ રીતે યાદ કર્યા Mukesh Ambaniએ
જો રતન ટાટાની વાત કરીએ તો રતન ટાટા અમીર પરિવારમાં ભલે જન્મ્યા હોય પણ તેમણે પોતાના જીવનમાં કાળો સંઘર્ષ જોયો છે. તેમણે જે સફળતા હાંસિલ કરી છે એ પોતાના દમ પર હાંસિલ કરી છે. રતન ટાટાએ 1998માં હેચબેક કાર ઈન્ડિકાને માર્કેટમાં ઉતારી. પરંતુ આ લોન્ચ ફેલ થઈ હતું. એ સમયે કેટલાક લોકોએ તેમને સલાહ આપી તેમણે તેમનું કાર ડિવિઝન વેચી દેવું જોઈએ. પરંતુ તેમણે રિસ્ક લીધું અને પરિણામ આજે તમારી આંખોની સામે જ છે. ટાટા કંપનીની કારની આજની માર્કેટ વેલ્યુ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.
ફોર્ડના ચેરમેન દ્વારા કહેવામાં આવેલી વાત રતન ટાટાને એટલી બધી વસમી લાગી કે તેમણે પોતાની કારને બેસ્ટ કાર બનાવવાનો નિર્ણય લીધો અને આખરે જે ઊંચાઈ જે મકામ તેમણે વિચારેલો ત્યાં પહોંચીને જ રાહતનો શ્વાસ લીધો.
રતન ટાટા અને ધીરુભાઈ અંબાણીમાં જોવા મળેલી એક બીજી કોમન સામ્યતા વિશે વાત કરીએ તો બંને જણ જીવનમાં સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ પણ ધરતી સાથે જોડાયેલા રહ્યા હતા. તેમણે પોતાના મૂલ્યો અને સંસ્કારોને સારી રીતે ઉજાળ્યા હતા.