રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: તુલા
વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.
તુલા (ર, ત)
આપની રાશિમાં વર્ષ દરમિયાન સ્થિર ગ્રહોની ગતિમાન ગ્રહો જે ચાલે છે. જેમાં શનિગ્રહ પાંચમા ભાવથી છઠ્ઠા ભાવે આવતા શુભ ફળદાયી રહેશે. રાહુ છઠ્ઠા ભાવેથી પાંચમા ભાવે સ્થિર થાશે. જે શુભ ફળ આપશે. ગુરુ ગ્રહ આઠમા ભાવથી નવમા ભાવે આવે છે. આ વર્ષે ઈષ્ટદેવની અપાર કૃપા થાય અને ગ્રહોની શુભ અસર તમારા યાદગાર વર્ષ સાબિત થશે.
માનસિક અને શારીરિક આરોગ્ય :- મન સ્થિર રહેશે નહીં. મનને માકડા જેવું કહ્યું છે. આ વર્ષે મનને સ્થિર કરવા ૐકારનો જાપ, યોગા કે આધ્યાત્મિક વાતોમાં મન પરોવવાથી મનને શાંત કરી શકશો.
શારીરિક આરોગ્ય સારું રહે. પણ વાયુ પ્રકૃતિના રોગના હુમલા અવારનવાર થાય જેનાથી અન્ય રોગ થવા સંભવ રહે માટે રોગનું મૂળ ને દૂર કરવો યોગ્ય રહે.
પારિવારિક :- પરિવારમાં સુખ-શાંતિ જળવાય. વર્ષના અંતે પરિવારમાં શોકજન્ય વાતાવરણ છવાય કે આઘાતજનક બનાવ બને, લાગણી ઘવાતી જાય, જીવનસાથીની આરોગ્ય અંગે કાળજી લેવી. સંતાનોની પ્રગતિ થાય. વિવાહ યોગ્ય યુવાનો માટે સમય મધ્યમ રહે. સહોદર સાથે કહેવાના સંબંધો રહે.
નોકરી-વેપારી વર્ગ:- નોકરિયાત વર્ગને ચૂપ રહેવું અને કર્મ કર્યે જાવ. નાની-મોટી મુશ્કેલી આવે. સહકર્મચારી સાથે મતભેદ થાય. સમયની રાહ જોવી નોકરીમાં બદલી થાય. નવી સારી નોકરી જોઈતી હોય તો હમણાં શુભ સમય નથી. ઊપરી અધિકારી સાથે જો તમે સાચા હોય તો વિરોધ કરવામાં પાછા ન પડતા.
વેપારીવર્ગમાં નવા સાહસ દ્વારા સફળતા મળે. તમારા ગૃહઉદ્યોગના વેપારમાં વધારો થાય. નવા વેપાર સાહસ ન કરવા.
આર્થિક સ્થિતિ:- આ સમય આવકમાં વધારો થાય. મિલકત દ્વારા આવક વધશે તથા દેવામાંથી મુક્તિ મળશે. તમારા સ્થાવર મિલકત માટે લોન પાસ થાય. આવક વર્ષના અંતે સરવાળો કરતા બાદબાકી થતી જોવા મળશે. શેર-રોકાણમાં લાભ થાય. વાણીથી થતા વ્યાપારમાં ધનલાભ થાય.
સ્થાવર સંપત્તિ સુખ:- વર્ષ દરમિયાન તમારા ‘એક બંગલા બને ન્યારા’ આ સ્વપ્નું પૂરું થતું જોવા મળે. તમને જૂના મકાન-વાહનની ખરીદી કરીને સફળતા અચુક મળશે. વેપાર માટે નવી ઓફિસ કે દુકાનની ખરીદી કરી શકશો. જમીનની વેચાણ-ખરીદીના કાર્યો થાય.
પ્રવાસ :- વર્ષ દરમિયાન પ્રવાસ ઘણા જ કરશો. તમારા યાત્રા દરમિયાન શરીરમાં થાક-અશક્તિનો અનુભવ થાય. તમારા વેપાર અર્થે બહારગામ જવાનું થાય. નોકરીમાં અપડાઉન-કરતા હશો તો સ્થિરતા થાશે.
મિત્રવર્ગ – શત્રુવર્ગ :- મિત્રવર્ગ ઉપર વિશ્ર્વાસે વહાણ ન ચલાવવું. કોઈ દસ્તાવેજ કે અગત્યના કાગળો ઉપર સહી-સિક્કા ન કરવા યોગ્ય રહે. મિત્રો તમારા ઓળખતા શીખી જશો.
કોર્ટકચેરીમાં ખોટા ફસાઈ જવાના કેસમાં તમારી નબળી બાજુ પુરવાર થાય. સરકારી કેસમાં તો લટકતી તલવાર જેવું જ રહેશે. જો મધ્યસ્થી દ્વારા સમાધાનથી કાર્યની પતાવટ થાય તો સારું ગણાય. જૂના કેસમાં તમારી કમજોરી સાબિત કરતા ફેંસલો તમારી વિરુદ્ધ આવશે. આમ આ વર્ષે “રોગ અને શત્રુને ઊગતો જ ડામવો (ન થવા દેવો) યોગ્ય રહેશે.
અભ્યાસ :- આમ આ વર્ષે તનતોડ મહેનત કરશો તો જ સફળતા મળશે.
બાર મહિના પ્રમાણે ફળ
(૧) કારતક : આ સમય સ્થાવર મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય. વિવાહિત જીવનમાં સફળતા મળે. ધનલાભ થાય.
(૨) માગશર : યાત્રા ટાળવી. અગત્યના કાગળો ઉપર સહી-સિક્કા કરતા સાવધાની રાખવી.
(૩) પોષ : આ સમયે વેપારમાં વધારો થાય. નવી સ્થાવર મિલકત વસાવવા મિત્રોનો સાથ સહકાર સારો મળશે.
(૪) મહા : નોકરીમાં ઉચ્ચપદ મળે. કોર્ટના કાર્યોમાં સફળતા મળે. સરકારી કાર્યોમાં સફળતા મળે.
(૫) ફાગણ : વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય બતાવે છે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.
સ્થાવર મિલકતમાં વધારો થાય. હૃદયના રોગીને સારું થાય.
(૬) ચૈત્ર : આ સમય હૃદય-છાતીના દર્દીને સારું ફળ બતાવે છે. વેપારમાં વધારો થાય. જાહેર જીવનમાં યશ-પ્રતિષ્ઠા વધે તેવા કાર્યો થાય. રાજકીય ક્ષેત્રે ઉચ્ચપદ મળે.
(૭) વૈશાખ : વારસાગત મિલકતથી લાભ થાય. વાણીથી ધન લાભ થાય. સારી જમીન-મકાન-વાહનથી ધનલાભ થાય. વેપારમાં પ્રગતિ થાય.
(૮) જેઠ: આ સમય સહોદરથી લાભ થાય. અગત્યની લોન પાસ થાય. વેપારમાં વધારો થાય. નાની યાત્રા ન કરવી.
(૯) અષાઢ: આ સમય નોકરીમાં બદલી થાય. ઉપરી અધિકારી સાથે બગડેલા સંબંધો સુધરે. વેપારમાં વધારો થાય. ખોટા જોખમભર્યા સાહસ તમને મુશ્કેલીમાં મૂકી દેશે.
(૧૦) શ્રાવણ: વિવાહિત જીવનમાં વિખવાદ થાય. યાત્રા-પ્રવાસ ન કરવા. મિત્રવર્ગથી ધન લાભ થાય. વેપારમાં નવીન તક મળે. અગત્યના નિર્ણય વેપાર માટે લેવાય.
(૧૧) ભાદરવો: આ સમયે વેપારમાં ખૂબ જ સારો ગણાય. નોકરીમાં બદલી થાય. પદવી પ્રાપ્ત થાય. વિદેશ જવા માટે શુભ સમય રહે. સહોદરના સંબંધ દૂરથી સારા રાખવા.
(૧૨) આસો: આ સમય મિત્ર વિદેશ રહેતા હશે. તો લાભ થાય. નોકરી-વેપારમાં યશ મળે. દામ્પત્ય જીવનમાં વિખવાદ થાય.
આ વર્ષ ગ્રહોની ચાલ તમારા માટે સારી છે. તમારે સારા થવું જ હોય તો આત્મબળથી કાર્ય કરવાનું છોડવાનું નથી. જેમ હાથમાં લીધેલ કામ અને શ્વાસથી ચાલતો જીવ શરીર છોડતું નથી તેમ ગ્રહો તમારા આત્મબળને વધારો કરશે. તમે ખોટી કલ્પનામાં રાચતા હોય તો થોડી વાસ્તવિક જીવન જીવવાની રીત અપનાવવી જરૂરી છે.