રણજી ટ્રોફી મુંબઇની ટીમે રચ્યો ઇતિહાસ, ટીમના ૧૦ અને ૧૧મા બેટ્સમેને ફટકારી સદી
મુંબઇ: મુંબઈના ખેલાડીઓ તનુષ કોટિયાન અને તુષાર દેશપાંડેએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં બંનેએ સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે તનુષે ૧૦મા નંબર પર અને તુષાર ૧૧મા નંબર પર બેટિંગ કરતા સદી ફટકારી હતી. રણજી ટ્રોફીમાં આવું પહેલીવાર બન્યું છે. મુંબઈ અને બરોડા વચ્ચેની આ મેચ ડ્રો રહી હતી. મુંબઈને પ્રથમ દાવમાં ૩૬ રનની લીડ મળી હતી. તેના આધારે તેને સેમિફાઇનલમાં સ્થાન મળ્યું છે.મુંબઈએ પ્રથમ દાવમાં ૩૮૪ રન કર્યા હતા જ્યારે બરોડાએ ૩૪૮ રન ફટકાર્યા હતા. આ રીતે મુંબઈની ટીમને ૩૬ રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં તેણે તનુષ અને તુષારની સદીની મદદથી ૫૬૯ રન ફટકાર્યા હતા. બરોડાને જીતવા માટે ૬૦૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેણે બીજા દાવમાં ત્રણ વિકેટે ૧૨૧ રન કર્યા હતા અને પાંચમા દિવસે મેચ ડ્રોમાં સમાપ્ત થઇ હતી.મુંબઈની ૩૩૭ રનમાં નવ વિકેટ પડી ગઈ હતી. અહીંથી તનુષ અને તુષારે ઇનિંગ સંભાળી અને બરોડાના બોલરોને હંફાવ્યા હતા. બંનેએ ૧૦મી વિકેટ માટે ૨૩૨ રનની ભાગીદારી કરી હતી. તનુષ કોટિયાને ૧૧૫ બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તે ૧૨૯ બોલમાં ૧૨૦ રન બનાવીને અણનમ રહ્યો હતો. તુષાર દેશપાંડેએ ૧૧૨ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે ૧૨૯ બોલમાં ૧૨૩ રન કરીને આઉટ થયો હતો. બંને બેટ્સમેનોએ પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી.૧૯૪૬ પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ૧૦ અને ૧૧ નંબરના બેટ્સમેનોએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી ફટકારી હોય. છેલ્લી વખત ચંદુ સરવટે અને શુતે બેનર્જીની જોડીએ આવું કર્યું હતું. સરવટે અને બેનર્જીએ ૧૯૪૬માં ઓવલ ખાતે સરે વિરુદ્ધ ભારતીય મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.