વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડની શાળામાંથી 1.15 કરોડ રોકડા મળ્યા, ભાજપા નેતાની સંડોવણી
રાંચી: ઝારખંડ વિધાનસભાની ચૂંટણી (Jharkhand assembly election) નજીક આવી રહી છે, એવામાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ દરમિયાન ઝારખંડ પોલીસે રાંચી(Ranchi)ની એક ખાનગી શાળા પર દરોડો પાડ્યો હતો અને લગભગ 1 કરોડ 15 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા. કથિત રીતે ભાજપ નેતા મદન સિંહ આ શાળા સાથે જોડાયેલા છે. હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા ભાજપ પર પ્રહારો કરી રહી છે.
Also read: ગૌતમ હવે ગંભીર મુશ્કેલીમાં, છેતરપિંડીના કેસમાં અદાલતની નવેસરથી તપાસનો આદેશ!
ઝારખંડ મુક્તિ મોરચાના નેતાઓનું કહેવું છે કે ભાજપમાંથી ટિકિટ ન મળતા જેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, એવા બળવાખોર નેતાઓ માટે ભાજપે આ પૈસા રાખ્યા હતા. ભાજપ આ બળવાખોર નેતાઓને પૈસા આપીને ચૂંટણી મેદાનમાંથી દૂર કરવા માંગે છે.
બુધવારે સવારે 5 વાગ્યાની આસપાસ પોલીસ અધિકારીઓ 100થી વધુ સુરક્ષા કર્મીઓ સાથે 10 થી 12 વાહનોમાં સ્કૂલ પહોંચ્યા હતા. દિવાળીના કારણે શાળા બંધ હતી, જેથી અંદર સફાઈ કર્મચારીઓ દ્વારા ગેટ ખોલવામાં આવ્યો હતો. કાયદાકીય ઔપચારિકતા પૂરી કર્યા બાદ પોલીસ ટીમે શાળાના રૂમની તપાસ શરૂ કરી હતી. 2 કલાક સુધી પોલીસ ટીમ ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળ સુધીના રૂમમાં સર્ચ કરતી રહી પરંતુ કોઈ સફળતા મળી ન હતી. દરમિયાન વાઈસ પ્રિન્સિપાલના રૂમ પર તાળું જોઈને અધિકારીઓને શંકા ગઈ હતી, ત્યારબાદ સ્કૂલના માલિકને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા અને વાઈસ પ્રિન્સિપાલનો રૂમ ખોલવામાં આવ્યો હતો.
Also read: કેન્દ્ર સરકારે પેન્શનરોને આપી દિવાળીની ભેટ, આપ્યો આ આદેશ
પોલીસે જ્યારે રૂમની તલાશી લીધી ત્યારે એક બ્રીફકેસમાં રાખેલા એક કરોડ 40 લાખ 99 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. શાળાના કેમ્પસમાંથી ગેરકાયદેસર દારૂની 3 થી 4 બોટલો પણ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, આ શાળા ભાજપના એક નેતા સાથે જોડાયેલી છે. સાથે જ શાળામાં રોકડ મળી આવ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓને પણ નોટ ગણવાના મશીન સાથે બોલાવવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી નોટો ગણ્યા બાદ 1.15 કરોડ રૂપિયા મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.