પરશુરામનું પાત્ર ભજવતા અચાનક એટેક આવ્યો અને…
ઝારખંડની રાજધાની રાંચીમાં રામલીલા ચાલી રહી હતી. તે દરમિયાન ભગવાન પરશુરામની ભૂમિકા ભજવી રહેલા એક કલાકારને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ 40 વર્ષીય વિનોદ પ્રજાપતિ તરીકે થઈ છે. તે દાંડાઈનો રહેવાસી હતો. કલાકારના મૃત્યુનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઢેર ઢેર રામલીલાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગઢવાના ડંડે ગામમાં પણ રામલીલા ચાલી રહી હતી તે દરમિયાન રામાયણના સીતા સ્વયંવરનો એપિસોડ ચાલી રહ્યો હતો જેમાં પ્રભુ રામ ધનુષ્ય તોડી નાખે છે આ સમયે પરશુરામ ત્યાં પહોંચે છે.
જોરથી બૂમો પાડે છે ધનુષ્ય કોણે તોડ્યું? ધનુષ્ય કોણે તોડ્યું, જલદી કહો, જલદી કહો અને આટલું બોલતા જ વિનોદ પ્રજાપતિ નામનો આ વ્યક્તિ સ્ટેજ પર ઢળી પડે છે અને અચાનક જ પરદો બંધ કરી દેવામાં આવે છે.
આયોજક અને અન્ય કલાકારોએ વિચાર્યું કે વિનોદ પ્રજાપતિ કદાચ બેહોશ થઈ ગયા હશે. તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર વિનોદ પ્રજાપતિનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. આ ઘટના બાદ પરિવારના સભ્યોની ઊંડા આઘાતમાં છે. વિનોદ પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી રામલીલામાં ભગવાન પરશુરામનું પાત્ર ભજવી રહ્યા હતા. તેઓ સમાજ સેવા પણ કરતા હતા.