
હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી(Ramoji Film city)માં બનેલી એક ગંભીર દુર્ઘટનામાં યુએસ બેઝ સોફ્ટવેર ફર્મ વિસ્ટેક્સ(Vistex)ના સીઈઓ સંજય શાહ(Sanjay Shah)નું મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં તેમના સાથીદાર રાજુ દાતલા(Raju Datla) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારે સાંજે રામોજી ફિલ્મ સિટીમાં સોફ્ટવેર ફાર્મની સિલ્વર જુબલીની ઉજવણી દરમિયાન દુર્ઘટના ઘટી હતી.
ઉજવણી દરમિયાન સંજય શાહ અને રજુ દાતલા ઉપરથી નીચે આવે એવા લોખંડના પાંજરામાં પ્રવેશ્યા હતા. જો કે, પાંજરાને સંભળાતી લોખંડની સાંકળની એક બાજુ તૂટી ગઈ હતી, જેના કારણે બંને નીચે પડ્યા હતા.
વિસ્ટેક્સ ફર્મે તેની સિલ્વર જ્યુબિલી પ્રસંગે રામોજી ફિલ્મ સિટી ખાતે બે દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું..
કંપનીના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, “આયોજન મુજબ સંજય શાહ અને રાજુ દાતલાને પાંજરામાંથી મંચ પર ઉતારવાથી કાર્યક્રમની શરૂઆત થવાની હતી. અચાનક, પાંજરા સાથે જોડાયેલા બે વાયરમાંથી એક તુટી ગયો. બંને 15 ફૂટથી ઊંચાઈથી નીચે કોંક્રીટના મંચ પર પડ્યા. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ” બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સંજય શાહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, અને તેમના સાથીદાર રાજુની હાલત ગંભીર છે. કંપનીના અન્ય અધિકારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે રામોજી ફિલ્મ સિટી ઇવેન્ટ મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
વિસ્ટેક્સ એ અમેરિકાના ઇલિનોઇ સ્થિત ફર્મ છે જે રેવન્યુ મેનેજમેન્ટ સોલ્યુશન્સ અને સર્વિસ ક્ષેત્રમાં કામ કરે છે. વિશ્વભરમાં 20 ઓફિસો અને 2,000 કરતાં વધુ કર્મચારીઓ સાથે, કંપની GM, Barilla અને Bayer જેવી અગ્રણી બ્રાન્ડ્સને સર્વિસ પૂરી પાડે છે.
વિસ્ટેક્સના સ્થાપક સંજય શાહે લેહાઇ યુનિવર્સિટીમાં વિસ્ટેક્સ ફાઉન્ડેશન અને વિસ્ટેક્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર એક્ઝિક્યુટિવ લર્નિંગ એન્ડ રિસર્ચની પણ સ્થાપના કરી હતી.
કંપનીની વેબસાઈટ મુજબ રાજુ દાતલા વર્ષ 2000 થી કંપની સાથે છે, તેમણે ફરમની સોલ્યુશન ડિલિવરી ક્ષમતાઓને આકાર આપવા અને વિસ્તરણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.