Rammandir: વારલી ચિત્રકળાથી કંડારેલું રામાયણનું આ સુંદર ચિત્ર અયોધ્યાના મ્યુઝિયમમાં મૂકાશે
વલસાડઃ અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના લોકો પણ કંઈને કંઈ મોકલી રહ્યા છે ત્યારે વલસાડ નજીક આવેલા ધમરપુરમાં પણ એક સુંદર કૃતિ બની છે જે અયોધ્યાના મ્યૂઝિયમમાં મૂકવામાં આવશે. આદિવાસીઓની પરંપરાગત એવી વારલી ચિત્રકળા દેશવિદેશમાં પ્રખ્યાત છે ત્યારે આ ચિત્રકલા અને કેલિગ્રાફીની મદદથી અહીં એક કિલોમીટર લાંબા કપડા પર રામાયણના વિવિધ પ્રસંગો ચિતરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ મંદિરમાં ભગવાન રામન મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ આ પ્રસંગને લઈ ઉત્સાહનો માહોલ છે.
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા ધરમપુરના ભેંસદરામાં આદિવાસીઓની વારલી શૈલીના ચિત્રકળા માધ્યમથી 1 કિલોમીટર લાંબા કાપડ પર રામાયણના વિવિધ પ્રસંગોને કંડારવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યમાં વિદ્યાર્થીઓ-શિક્ષકો અને અન્ય કલાકારો મળી લગભગ 5,000 લોકોએ સહયોગ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. એક કિલોમીટર લાંબા કાપડામાં રામ ભગવાનનો જન્મ, તાડકા વધ, સીતાજીનો સ્વયંવર, વનવાસ, રામ-રાવણનું યુદ્ધ વગેરે જેવા પ્રસંગોના ચિત્રો દોરવામાં આવ્યા છે.
આ ચિત્રોને પહેલા સુરત શહેરમાં પ્રદર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ અયોધ્યા મોકલવામાં આવશે. આ રીતે ધરમપુરની આ કૃતિ દેશ-વિદેશના લોકો સુધી પહોંચશે.