ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે 22 જાન્યુઆરી પહેલા અયોધ્યાને પ્રભુ રામના સ્વાગતમાં શણગારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મંદિર નિર્માણનું કામ પણ ખૂબજ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. જેથી ઉદ્ધાટન સુધીમાં તે સંપૂર્ણ બનીને તૈયાર થઇ જાય. આ બધી તૈયારીઓ વચ્ચે પ્રભુ રામની મૂર્તિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તે ચાલો તમને જણાવું કે પ્રભુ રામની મૂર્તિની ચરણ પાદુકા વિશે કે જેને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે.
22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામનો પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે પહેલા ભગવાન રામની ચરણ પાદુકાઓને પણ અયોધ્યા મંદિરમાં લાવતા પહેલા આ પાદુકાઓ દેશભરમાં પરિભ્રમણ કરશે. ભગવાન શ્રી રામની આ ચરણ પાદુકા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જ 19 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા પહોંચશે. તે પહેલા તે દેશભરના વિવિધ સ્થળોનો પ્રવાસ કરશે. જેમાં સૌ પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ શહેર અને પછી બદ્રીનાથ લઈ જવામાં આવશે. આ પાદુકાઓની ખાસ બાબત એ છે કે તે સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવી છે. ભગવાન શ્રી રામની આ ચરણ પાદુકા હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. આ ચરણ પાદુકાઓને લઈને શ્રીચલ્લ શ્રીનિવાસે પણ 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે.
ખાસ બાબત તો એ છે કે ભગવાન શ્રી રામની આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનેલી છે. ત્યારે જે રીતે ભગવાન રામની મૂર્તિ ઘડવા માટે ઘડવૈયાઓ અયોધ્યામાં રોકાયા છે. તેમ ચરણ પાદુકા બનાવવા માટે પણ શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રી પણ અયોધ્યામાં જ રોકાયા હતા. રામ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અમને પૂરો વિશ્ર્વાસ છે કે મહોત્સવ પહેલા તમામ કાર્યો પૂરા થઇ જશે.
ઉલ્લેખનીય છે કે રામ મંદિરના અભિષેક સમારોહને લઈને તમામ ભારતવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરના નિર્માણ માટે 500 વર્ષ સુધી રાહ જોયા બાદ જ્યારે પ્રભુ બિરાજમાન થશે તે ઘડી આવી પહોંચી છે.