Rameswaram Café Blast: કર્ણાટકના પ્રધાન ફેક ન્યુઝ ફેલાવી રહ્યા છે! ભાજપે કૉંગ્રેસને માફી માંગવા કહ્યું
કોંગ્રેસ શાષિત કર્ણાટક સરકારના પ્રધાન દિનેશ ગુંડુ રાવ(Dinesh Gundu Rao)એ દાવો કર્યો હતો કે રામેશ્વરમ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલો છે. ભાજપે આ આરોપોને ફાગાવી દેતા, કોંગ્રેસ સરકાર પર ફેક ન્યુઝ ફેલાવવાનો આરોપ મૂક્યો છે. ભાજપે દિનેશ ગુંડુ રાવને માફી માંગવા કહ્યું છે.
ભાજપે કહ્યું કે આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવના આરોપ દુર્ભાગ્યપૂર્ણ છે, તેઓ સાક્ષી અને આરોપીની પૂછપરછ વચ્ચેનો તફાવત જાણતા નથી.
X પર પોસ્ટ કરી ભાજપે કહ્યું કે, “કોંગ્રેસ આઇટી સેલ ફેક ન્યુઝ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.” આ સાથે ભાજપે #PakistanPremiCongress નું હેશટેગ રાખ્યો હતો.
અગાઉ શુક્રવારે, દિનેશ ગુંડુ રાવે X પોસ્ટ કરી કહ્યું હતું કે 1 માર્ચે રામેશ્વરમ કેફેમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહેલી NIAએ કર્ણાટકના શિમોગા જિલ્લામાંથી ભાજપના એક કાર્યકરને કસ્ટડીમાં લીધો હતો.
ત્યાર બાદ NIA એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે “અનવેરિફાઇડ ન્યૂઝ આઇટમ્સ કેસની અસરકારક તપાસને અવરોધે છે. સાક્ષીઓની ઓળખ પરની કોઈપણ માહિતી તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે.”
NIA એ જણાવ્યું કે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇ (IED) વિસ્ફોટ કરનાર શંકાસ્પદની ઓળખ મુસાવીર હુસૈન શાઝીબ અને અબ્દુલ મતીન તાહા તરીકે થઇ છે, બંને શિમોગાના રહેવાસી છે.
એક અહેવાલ મુજબ NIAએ ગયા અઠવાડિયે બે શકમંદોના ઘરો અને મોબાઈલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે, અધિકારીઓને ખબર પડી કે વિવાદમાં સંકળાયેલા ભાજપના કાર્યકરએ મોબાઈલ શોપના માલિકને પોતાનો ફોન વેચ્યો હતો, જેણે પછી તેને NIA દ્વારા ધરપકડ કરાયેલા અન્ય મુખ્ય કાવતરાખોર મુઝમ્મિલ શરીફને વેચી દીધો હતો, આ ફોનનો ઉપયોગ મુઝમ્મિલે શાઝીબ અને તાહાનો સંપર્ક કરવા માટે કર્યો હતો.