Delhi Election : પ્રિયંકા ગાંધી પરના નિવેદન મુદ્દે વિવાદ વધતાં રમેશ બિધુરીએ માફી માંગી
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીને(Delhi Election 2025) મુદ્દે રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપ બાજી શરૂ કરી છે. જેમાં આજે ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે દિલ્હીમાં પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તા બનાવશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તેમના નિવેદન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, તેની બાદ પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કરીને ભાજપના નેતા અને પૂર્વ સાંસદ રમેશ બિધુરીએ માફી માંગી. તેમણે કહ્યું કે મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો. આ સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કેટલાક લોકો તેમના નિવેદનનો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રમેશ બિધુરીએ દિલગીરી વ્યક્ત કરી
દિલ્હીની કાલકાજી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ એક્સ હેન્ડલ પર લખ્યું કે ” મારા દ્વારા આપવામાં આવેલા નિવેદનને અન્ય સંદર્ભમાં અમુક લોકો ખોટો રાજકીય લાભ ઉઠાવવા સોશિયલ મીડિયા પર નિવેદન આપી રહ્યા છે. મારો ઉદ્દેશ કોઇને અપમાનિત કરવાનો ન હતો. પરંતુ તેમ છતાં મારા નિવેદનથી કોઇને દુ:ખ પહોંચ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું.
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ આગામી સપ્તાહે જાહેર થઈ શકે
લાલુ યાદવના નિવેદનની યાદ અપાવી
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં બિહારના આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ પટનાના રસ્તાઓને હેમા માલિનીના ગાલ જેવા બનાવવાનું વચન આપ્યું હતું. બિધુરીના નિવેદને લાલુની વિનોદી શૈલીની યાદ અપાવી. ત્યારે પણ લાલુના આ નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો, પરંતુ લાલુ યાદવ તેમના મજાકીયા સ્વભાવ માટે જાણીતા છે. તેથી હેમા માલિનીને પણ કોઈ વાંધો નહોતો લીધો.
કોંગ્રેસ બિધુરીને મહિલા વિરોધી ગણાવ્યા
પ્રિયંકા ગાંધી પર રમેશ બિધુરીના નિવેદન પર દિલ્હીમાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બિધુરીને મહિલા વિરોધી ગણાવ્યા અને કોંગ્રેસે પણ રમેશ બિધુરીનું પૂતળા દહન કર્યું હતું.
ભાજપ મહિલા વિરોધી
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે ‘X’ પર વિડિયો શેર કરતા કહ્યું કે, ભાજપ મહિલા વિરોધી છે. ભાજપના પૂર્વ સાંસદ અને કાલકાજી બેઠક પરના ઉમેદવાર રમેશ બિધુરીએ પ્રિયંકા ગાંધીને લઈને આપેલું નિવેદન માત્ર શરમજનક જ નથી પરંતુ મહિલાઓ પ્રત્યેની તેમની બિમાર માનસિકતા પણ દર્શાવે છે. જે વ્યક્તિએ ગૃહમાં પોતાના સાથી સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો છે તેની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય?