સુપ્રીમ કોર્ટ સામે દરદીઓની પરેડ કરવા તૈયાર છે રામદેવ બાબા
સુપ્રીમ કોર્ટે રામદેવ બાબાની કંપની પતંજલિને ઝાટકી છે ત્યારે બાબાએ કોર્ટને કહ્યું છે કે અમારી દવાઓ સંશોધન પર આધારિત છે, દર્દીઓને સુપ્રીમ કોર્ટ સમક્ષ પરેડ કરવા તૈયાર છે.
યોગ ગુરુ બાબા તરીકે નામના મેળવી ચૂકેલા રામદેવે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે આપણી પાસે જ્ઞાન અને વિજ્ઞાનનો ભંડાર છે, પરંતુ ભીડના આધારે સત્ય અને અસત્યનો નિર્ણય કરી શકાતો નથી. અમારી દવાઓ સંશોધન પર આધારિત છે. અમે સુપ્રીમ કોર્ટની સામે દર્દીઓની પરેડ કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે મેડિકલ માફિયા ખોટો પ્રચાર કરે છે, પતંજલિ ક્યારેય ખોટો પ્રચાર કરતી નથી. તેના બદલે, પતંજલિએ સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપ્યું. સાથે જ કહ્યું કે સુપ્રીમ કોર્ટનું હંમેશા સન્માન કરવામાં આવશે.
રામદેવે કહ્યું કે જે જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે તેનો પર્દાફાશ થવો જોઈએ. લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. અમે સેંકડો દર્દીઓની પરેડ કરવા તૈયાર છીએ.
ગઈકાલે સુપ્રીમ કોર્ટે યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતોમાં એલોપથીની દવાઓ વિશે ગેરમાન્યતાઓ ફેલાવવા બદલ ઝાટકણી કાઢી હતી.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાની સંયુક્ત બેન્ચે પતંજલિને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હવે તેમના ઉત્પાદનો અંગે કોઇ ભ્રામક માહિતી ધરાવતી જાહેરાતનું પ્રસારણ થાય તો તેમના પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કોર્ટે એ પણ જણાવ્યું હતું કે પતંજલિએ સુનિશ્ચિત કરવું જોઇએ કે તેઓ પ્રેસ-મીડિયાને પણ આ પ્રકારના નિવેદનો ન આપે.
પતંજલિ આયુર્વેદ ભવિષ્યમાં આવું કોઇ પગલું ન ભરે તેમજ આયુર્વેદ અને એલોપથી વચ્ચે દલીલબાજી થાય તેવું કોઇ વાતાવરણ ઉભુ નહિ કરે તેવો કોર્ટે આદેશ આપ્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પતંજલિની જાહેરાતોને પગલે એલોપથી દવાઓની ઉપેક્ષા થઇ રહી છે. પતંજલિ તેના ઉત્પાદનોમાં જે દાવા કરે છે તે સાબિત નથી થયા અને તે ‘ડ્રગ્સ એન્ડ અધર મેડીકલ રેમેડીઝ એક્ટ-1954’ અને ‘કન્ઝ્યુમર પ્રોટેકેશન એક્ટ-2019’નું ઉલ્લંઘન છે. આ કેસમાં આગામી સુનાવણી ફેબ્રુઆરી 2024માં યોજાશે.