બંગાળના સમુદ્ર તટ પર રેમલ ચક્રવાતનો લેન્ડફોલ શરૂ, PM મોદીએ યોજી સમીક્ષા બેઠક

નવી દિલ્હી: દેશના પૂર્વ ભાગમાં રેમલ ચક્રવાતનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. હાલમાં કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યોછે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. લોકોને SOPનું પાલન કરવા પણ વિનંતી કરી છે.
ગવર્નર ડૉ સીવી આનંદ બોઝે જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. દિલ્હીમાં પીએમ મોદીએ આ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી.
મળતી માહિતી મુજબ આગામી 2-3 કલાકમાં રામલ લેન્ડફોલ શરૂ થઈ જશે. પવનની ઝડપ 110-120 કિમી પ્રતિ કલાકથી લઈને 135 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 110-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરી શકે છે. તે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં 27-28 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.
પશ્ચિમ બંગાળ સરકારે ચક્રવાત રેમલના તોળાઈ રહેલા ખતરાને પહોંચી વળવા સાવચેતીનાં પગલાં ઝડપી બનાવ્યાં છે. આ અંતર્ગત સુંદરવન અને સાગર દ્વીપ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે. સિનિયર અધિકારીએ રવિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ પ્રયાસોને ઝડપી બનાવવા માટે, NDRFની દરેક 16 બટાલિયનને દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
આ દરમિયાન, NDRFના પૂર્વ ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દર સિંહે જણાવ્યું હતું કે ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિએ લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, લેન્ડફોલ સમયે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું કે ચક્રવાતી તોફાનના કારણે ભારે વરસાદ થઈ શકે છે. જો કે, આ સુપર સાયક્લોન અગાઉ ત્રાટકેલા ચક્રવાત એમ્ફાન જેટલું વિનાશક નહીં હોય.