વિશ્વભરમાં રામભક્તોએ ભવ્ય ઉજવણી કરી
વૉશિંગ્ટન: રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની દેશ ઉપરાંત વિદેશોમાં પણ રામ ભક્તોએ ભાવપૂર્વક ઉજવણી કરી હતી. ન્યૂ યોર્કના ટાઇમ સ્કેવર સહિત અનેક સ્થળોએ રામ ભક્તો અને ભારતીય પ્રવાસીઓ એકઠા થયા હતા અને અયોધ્યામાં રામલલાના અભિષેકની ઉજવણી માટે પ્રાર્થના, કાર રેલી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
રામ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા સમારોહના લાઇવ સ્ક્રીનિંગના સાક્ષી બનવા માટે ભારતીય પ્રવાસીઓ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે એકઠા થયા હતા. સમારોહને લઇને આઇકોનિક સ્થળને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પરંપરાગત પોશાકમાં સજજ લોકો નૃત્ય કરતા, ભજન અને અન્ય ગીતો ગાતા જોવા મળ્યા હતા. વૉશિંગ્ટન ડીસીના ઉપનગર વર્જિનિયાના ફેરફેક્સ કાઉન્ટીમાં એસવી લોટસ મંદિરમાં શીખ, મુસ્લિમ અને પાકિસ્તાની અમેરિકન સમુદાયના સભ્યો પણ ઉજવણીમાં જોડાયા હતા. રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં 2,500થી વધુ લોકોએ હાજરી આપી હતી. ગ્રેટર હ્યુસ્ટનના હિંદુઓ દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોસ એન્જલસમાં
1,000 લોકો આ પ્રસંગની ઉજવણી માટે કાર રેલીમાં જોડાયા હતા. રેલીમાં 250 જેટલી કારોએ ભાગ લીધો હતો.
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી તરત જ વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકા અને કેનેડાની વિશ્વ હિન્દુ પરિષદે બન્ને દેશોમાં 1,000થી વધુ મંદિરોની મુલાકાત લેવા માટે રામ મંદિર યાત્રાની જાહેરાત કરી હતી. તેમજ અયોધ્યામાં રામલલાના અભિષેકની પૂર્વ સંધ્યાએ મોટી સંખ્યામાં ભારતીય મૂળની વસ્તી ધરાવતા કેરેબિયન રાષ્ટ્ર ત્રિનિદાદ અને ટોબેગોમાં હજારો લોકોએ એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી. રવિવારના રોજ ઉજવણીમાં 500થી વધુ લોકોએ હાજરી આપી હતી. મોરેશિયન સરકારે પ્રાણપ્રતિષ્ઠા સમારોહની પ્રાર્થના માટે હિન્દુ ધર્મના જાહેર સેવકોને બે કલાકની વિશેષ રજા આપી હતી.