અંગદ ટીલા માટે રામ મંદિર ટ્રસ્ટ અને નાગા સાધુઓ સામસામે…

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે અને ભક્તો પ્રભુ રામની પ્રણ પ્રતિષ્ઠાના દર્શન કરવા માટે અત્યારથી જ પોતાના રહેવાની સગવડ કરી રહ્યા છે. ત્યારે આ દોડધામ વચ્ચે અયોધ્યામાં એક નવો વિવાદ ઊભો થયો છે. અંગદ ટીલા સ્થિત 1.6 એકર જમીનને લઇને રામ મંદિર ટ્રસ્ટ અને નાગા સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં હનુમાનગઢીના નાગા સાધુઓ રામ મંદિર ટ્રસ્ટના વિરુદ્ધમાં આવી ગયા છે, ટ્રસ્ટ આ જમીનનો ઉપયોગ રામ જન્મભૂમિ સંકુલના વિસ્તરણ અને તેની સાથે જોડાયેલા પ્રોજેક્ટ માટે કરવા માંગે છે જ્યારે હનુમાન ગઢીના નાગા સાધુઓ દાવો કરે છે કે જમીન પર તેમનો અધિકાર છે.
આજે પણ બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલુ જ હતો. આ સમય દરમિયાન નાગા સાધુઓ તેમની વાત પર અડગ રહ્યા અને વિરોધમાં રામજન્મભૂમિ સંકુલની બાજુમાં આવેલી અંગદ ટીલા જમીન પર ભજન અને કીર્તન કરતી વખતે લંગરનું આયોજન કર્યું હતું. શનિવારે એક કંપનીની મદદથી નાગા સાધુઓએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા બાંધકામને પણ તોડી પાડ્યું હતું. અંગદ ટીલાનો એક ભાગ રામ જન્મભૂમિ સંકુલની અંદર સ્થિત છે, જ્યારે સ્મારકની મોટાભાગની જમીન તેની બહાર આવેલી છે.

નાગા સાધુઓના દાવા મુજબ ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે અંગદ ટીલાની જમીન હનુમાન ગઢીની સંપત્તિ છે. હનુમાન ગઢીના પૂજારીએ દાવો કર્યો હતો કે હનુમાન ગઢીના હરદ્વારી પીઠના મહંત અંગદ ટીલાનું ધ્યાન રાખે છે. ટ્રસ્ટ અને હનુમાન ગઢી વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી વાટાઘાટો ચાલી રહ્યો છે. પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી. જો કે અયોધ્યા પ્રશાસને આ જમીનને સરકારી જમીન તરીકે જાહેર કરી છે

અયોધ્યાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હનુમાનગઢીના નાગા સાધુઓ સાથે ચર્ચા કરી હતી, પરંતુ આ વાતચીત દરમિયાન કોઇ નિર્ણય લેવાયો નહોતો. અખાડા પરિષદના પૂર્વ પ્રમુખે કહ્યું હતું કે આ જમીન હનુમાન ગઢીની જ છે. અમારી પાસે તમામ જરૂરી રેકોર્ડ અને દસ્તાવેજો છે. આ મુદ્દા પર ટિપ્પણી કરતા, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે ટ્રસ્ટે અંગદ ટીલા સંપાદિત કરવાની માંગ કરી હતી. ટ્રસ્ટ અને હનુમાન ગઢી વચ્ચેની વાતચીત ઉગ્ર થઇ ગઈ હતી પરંતુ કોઇ નિર્ણય પર પહોંચ્યા નહોતા. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે અંગદ ટીલાની જમીનને સરકારી જમીન જાહેર કરવી અમારા નિયંત્રણની બહાર છે.
જૂન 2021માં અયોધ્યામાં અન્ય એક જમીન ખરીદી વિવાદમાં ટ્રસ્ટનું નામ ઉછળ્યું હતું. આ વિવાદમાં અયોધ્યાના બાગ બિજૈસીમાં જમીનના સંપાદનનો મુદ્દો હતો, જો કે હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે. તેમજ ટ્રસ્ટ અત્યારે હનુમાન ગઢીના સાધુઓ સાથે અંગદ ટીલાની જમીન મુદ્દે વિવાદ કરી રહ્યું છે.