રામ મંદિરને મુદ્દે આજે BJP-RSSની મહત્વની બેઠક, લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર પણ થશે ચર્ચા
નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અને ચૂંટણીની તૈયારીઓને લઈને આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અમિત શાહ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર મુદ્દે આરએસએસ અને ભાજપ વચ્ચે સમન્વયને લઈને મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રામ મંદિર મુદ્દાનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરવામાં આવશે.બેઠક દરમિયાન, રામ મંદિર મુદ્દે પુસ્તિકાઓ છાપવા અને તેને દેશભરમાં અલગ-અલગ સ્થળોએ વહેંચવા અંગે પણ વિચારણા કરવામાં આવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના મહિના બાકી છે. ભાજપ અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત છે. પાર્ટી જીતવા માટે કોઈ કસર છોડવા નથી માગતી. સાથે જ ભાજપ માટે રામ મંદિરનો મુદ્દો હંમેશા મહત્વનો રહ્યો છે. હવે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર લગભગ તૈયાર છે અને 22 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ જીતથી ઓછી નથી. ભાજપ હવે આવનારી સામાન્ય ચૂંટણીમાં આ મુદ્દાને ઉઠાવવામાં કોઈ કસર છોડશે નહીં એ નક્કી જ છે. આજે યોજાનારી ભાજપ-આરએસએસની સંકલન બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.