રામરાજ્યવાળી સરકાર આમંત્રણમાં પણ કરે છે ભેદભાવ…જાણો કોણે કર્યો આવો આક્ષેપ
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો છે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ સહિત અનેક વિપક્ષી નેતાઓને અભિષેક સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. કન્નૌજના બીજેપી સાંસદ સુબ્રત પાઠકે ટ્રસ્ટને પત્ર લખીને સમાજવાદી પાર્ટીના નેતાઓને આમંત્રણ નહીં આપવાની માંગ કરી હતી, જેના પર હવે ડિમ્પલ યાદવે પોતાની પ્રતિક્રિયા આપી છે.
મૈનપુરીના સપાના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે ભાજપની એક હીણમાનસિકતા છે કે તે આ કાર્યક્રમમાં સપાના નેતાઓને આમંત્રણ નહી આપવાનું કહી રહી છે. આ સરકાર રામરાજ્યની વાત કરે છે, પણ ભેદભાવ પણ કરે છે. આ દરમિયાન ડિમ્પલે કહ્યું હતું કે, જો અમને આમંત્રણ મળશે તો અમે ચોક્કસ જઈશું અને જો અમને આમંત્રણ નહીં મળે તો પછી જઈશું.
ડિમ્પલ યાદવની આ પ્રતિક્રિયા પર સુ. સપા ચીફ ઓમ પ્રકાશ રાજભરે કહ્યું હતું કે હવે મંદિર બની ગયું છે, તેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. મંદિર જવાથી કોઈને રોકી શકાય નહીં, દરેક જઈ શકે છે. સપા નેતાઓને અગાઉ કોઈ જાણકારી જ નહોતી, પણ હવે તેમને આ બાબતનું જ્ઞાન થઇ ગયું છે. સમાજવાદી પાર્ટીના નેતાઓ જો આમંત્રણ મળે તો તેમાં સામેલ થવાની રાહ જોઈ રહ્યા છે.
કન્નૌજના બીજેપી સાંસદ સુબ્રત પાઠકે રામ મંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે માંગ કરી હતી કે રામલલ્લાના અભિષેક સમારોહમાં સમાજવાદી પાર્ટીના નેતાઓને આમંત્રણ ન આપવું જોઈએ. સુબ્રતાએ માંગ કરી છે કે રામભક્તો પર ગોળીબાર કરનારાઓને આમંત્રણ ન આપવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. પ્રાણ પ્રતિષ્ઠા પૂજા 16 જાન્યુઆરી 2024 ના રોજ શરૂ થવાની છે અને 22 જાન્યુઆરીએ સમાપ્ત થશે. અહીં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ આખો સપ્તાહ ચાલશે. 17 જાન્યુઆરીએ ભગવાન રામની ઝાંખીની શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં ભગવાન રામના જન્મથી લઈને તેમના વનવાસ, લંકા પરની જીત અને અયોધ્યા પરત ફરવા સુધીની તસવીરો હશે.