રામ રહીમ ફરી 40 દિવસ જેલની બહાર, સજાના 8 વર્ષમાં 15મી વાર પેરોલ પર મુક્ત!

નવી દિલ્હી: સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ફરી એકવાર 40 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. રોહતકની સુનારિયા જેલમાંથી આજે બપોરે 12 વાગ્યે તેને મુક્ત કરવામાં આવશે, જ્યાંથી તે સીધો સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા હેડક્વાર્ટર જવા રવાના થશે. વર્ષ 2026માં રામ રહીમની આ પ્રથમ મુક્તિ છે, જોકે 2017માં સજા થયા બાદ અત્યાર સુધીમાં તે 15મી વખત જેલની બહાર આવી રહ્યો છે.
આ વખતે રામ રહીમને ડેરા સચ્ચા સૌદાના બીજા ગુરુ શાહ સતનામ જીના જન્મ માસના અવસર પર પેરોલ આપવામાં આવી છે. રામ રહીમના સિરસા આગમનને પગલે ડેરામાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ત્યાં ભક્તોની હલચલ વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે રામ રહીમ બે મહિલા અનુયાયીઓ સાથે બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા અને પત્રકાર રામચંદ્રની હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. અગાઉ તેને એપ્રિલમાં 21 દિવસની ફર્લો અને જાન્યુઆરીમાં 30 દિવસની પેરોલ આપવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે આ પુર્વે અનેક વખત રામ રહીમને પેરોલ પર છોડવામાં આવી ચુક્યો છે. વર્ષ 2020માં હરિયાણા વિધાનસભા ચુંટણી સમયે 40 દિવસના પેરોલ પર છોડવામાં આવ્યો હતો, ત્યારબાદ ફેબ્રુઆરી 2022માં પંજાબ વિધાનસભા ચુંટણી પહેલા 21 દિવલની ફર્લો આપવામાં આવી હતી. જૂન 2022માં હરિયાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ સમયે એક મહિનાનાં તેમજ હરિયાણા પેટા ચુંટણીના સમયે 41 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી હતી.



