
અયોધ્યા: ઉત્તર પરદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામ લલ્લાની મૂતિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત અને વિદેશમાંથી 8 હજારથી વધુ આમંત્રિત મહેમાનો આવશે, જેના માટે અયોધ્યા એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો ધસારો થવાનો છે. આ માટે અયોધ્યામાં 40 ચાર્ટર્ડ પ્લેન લેન્ડ કરવાની મંજૂરી માંગવામાં આવી છે. આ ઉપરાંત એક લાખથી વધારે લોકો અયોધ્યામાં ઉમટશે.
અયોધ્યામાં 8 હજારથી વધુ મહેમાનો આવશે જેના માટે કોમર્શિયલ ફ્લાઈટ્સ સિવાય 40થી વધુ પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેન પણ ત્યાં લેન્ડ થવાના છે. જેના માટે તેઓએ અયોધ્યા પ્રશાસન પાસે પરવાનગી માંગી છે.
VVIP મહેમાનો તરફથી પ્લેન ચાર્ટર કરવાની પરવાનગી માટે અરજીઓ સંખ્યા દરરોજ વધી રહી છે. એવી અપેક્ષા છે કે 22 જાન્યુઆરીએ 100 થી વધુ ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે, જેના માટે વહીવટીતંત્ર તૈયારીઓ કરી રહ્યું છે, જ્યારે કોમર્શિયલ ફ્લાઈટ સેવા પણ શરૂ થઈ ગઈ છે.
અયોધ્યા એરપોર્ટ હાલમાં આઠ શહેરો સાથે કનેક્ટિવિટી ધરાવે છે, જેમાં લખનઉ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અમદાવાદ, ચેન્નઈ અને ગોવાનો સમાવેશ થાય છે. ત્રીજી કોમર્શિયલ ફ્લાઈટ રવિવારે એરપોર્ટ પર ઉતરી હતી. હાલમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી કંપનીઓએ તેમની ફ્લાઈટ્સ શરૂ કરી દીધી છે જ્યારે અકાસા એર પણ ટૂંક સમયમાં અયોધ્યાની ફ્લાઈટ શરુ કરશે.
22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો અયોધ્યા આવવાની સંભાવના છે.