રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે: રાહુલ
નાગાલૅન્ડ: બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો હોવાને કારણે તેમાં હાજરી આપવાનું મુશ્કેલ છે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું.
ભાજપ અને આરએસએસએ નરેન્દ્ર મોદીને કેન્દ્રસ્થાને રાખીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે અને ભાજપ તેને ચૂંટણીના મુદ્દાનું સ્વરૂપ આપી રહ્યો હોવાને કારણે જ અમારા માટે એ કાર્યક્રમમાં હાજર રહેવાનું મુશ્કેલ બન્યું છે, એમ તેમણે કહ્યું હતું.
ઉત્તાર પ્રદેશના અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટેના આમંત્રણને કૉંગ્રેસના અગ્રણી નેતાઓએ નકારી કાઢ્યાના દિવસો બાદ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
આવનારી લોકસભાની ચૂંટણી માટે ઈન્ડિયા બ્લૉકના ઘટક પક્ષો વચ્ચે સર્વાનુમતીથી બેઠકોની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે મને વિશ્ર્વાસ છે કે અમારી વચ્ચેના નજીવા મતભેદો દૂર થઈ જશે અને અમે સાથે મળીને ભાજપને હરાવવામાં સફળ થઈશું.
૧૪ જાન્યુઆરીએ મણીપુરથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા સોમવારે નાગાલેન્ડ પહોંચી હતી.
આ યાત્રા ૧૫ રાજ્યના લોકસભાના ૧૦૦ મતદારક્ષેત્રમાંથી પસાર થશે. આ યાત્રા ૬,૭૧૩ કિ.મી.ની હશે અને મોટાભાગનો પ્રવાસ બસ દ્વારા તેમ જ બાકીનો પ્રવાસ પગપાળા કરવામાં આવશે. આ યાત્રા ૨૧ કે ૨૨ માર્ચે મહારાષ્ટ્રના મુંબઈ પહોંચશે. (એજન્સી)