અયોધ્યા: ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આજે ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામની દરેક હોટેલ અને ધર્મશાળાઓના પ્રિ-બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે. 22મી જાન્યુઆરીના તમામ હોટેલ-ધર્મશાળાઓના પ્રી-બુકિંગને રદ કર્યું છે. ઉદ્ઘાટનને લઈને કોઈ પણ અણબનાવ બને નહીં તેના માટે અને વીવીઆઈપી સુરક્ષાઓને લઈને સરકારે આ નિર્ણય લીધો છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટ્લે 22 જાન્યુઆરીના પહેલાની દરેક હોટલો અને ધર્મશાળાઓની એડ્વાન્સ બૂકિંગને રદ રહેશે. આજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંદિરના કામને લઈને સમીક્ષા બેઠક પછી આ આદેશ જારી કર્યો હતો. શહેરની દરેક એડ્વાન્સ બુકિંગ રદ થતાં 22 જાન્યુઆરીએ ફક્ત ડ્યૂટી પાસ અને શ્રી રામમંદિર ટ્રસ્ટનું નિમંત્રણ પત્ર મળેલા વ્યક્તિઓને જ અયોધ્યામાં રહેવાની પરવાનગી આપવામાં આવશે.
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જાણવા મળ્યું છે કે 22 જાન્યુઆરીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે અનેક લોકોએ શહેરની સ્થાનિક હોટેલ અને ધર્મશાળાઓમાં બુકિંગ કર્યું છે. જોકે, દરેક બુકિંગને રદ કરવામાં આવે છે, જેથી સુરક્ષા મુદ્દે પ્રશાસનને પણ કોઈ તકલીફ ન પડે. 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં આમંત્રણ આપેલા દરેક મહાનુભાવો આવશે અને અયોધ્યા એરપોર્ટ પર 100 જેટલા પ્લેન આવવાની શક્યતા છે, જ્યારે આ પ્લેનને ડાઈવર્ઝન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
2023ના 30 ડિસમ્બરે વડા પ્રધાન મોદી પણ રામ મંદિરની મુલાકાત કરશે. આ પહેલા સીએમ યોગીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા ધર્મનગરી અયોધ્યામાં હજારો કરોડો રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ કરશે. વડા પ્રધાન મોદીનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે અયોધ્યાને ત્રેતાયુગની થીમ પ્રમાણે શણગારવામાં આવશે, એવું સીએમ યોગીએ કહ્યું હતું.
અયોધ્યામાં સુરક્ષા અને સ્વાગતનું ધ્યાન રાખવા માટે દરેક સરકારી અને પોલીસ કર્મચારીઓએ આદર્શ થવું પડશે તે અમારી ફરજ છે. આ માટે અયોધ્યામાં અનેક જગ્યાએ ઝોન પ્રમાણે પોલીસ દળને તહેનાત કરવામાં આવશે. યોગીએ આદેશ આપ્યો કે અયોધ્યા સ્ટેશન અને એરપોર્ટના માર્ગમાં આવેલા ખાડાઓને ભરવામાં આવશે. NHAI બાયપાસ માર્ગ પરના ડિવાઈડર પર કરવામાં આવેલ ડેકોરેશન વધુ સારી રીતે થવું જોઈએ. એવું સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યુ હતું