નેશનલ

રામલલાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં રામાયણના આ કલાકારોને મળ્યું આમંત્રણ..

80ના દાયકામાં દૂરદર્શન પર પ્રસારિત થનારી પ્રખ્યાત ‘રામાયણ’ ધારાવાહિકનું લોકોના હૃદયમાં અનેરું સ્થાન છે. આ ધારાવાહિકમાં લગભગ તમામ કલાકારોએ ખૂબ જ મહેનત અને નિષ્ઠાપૂર્વક રામાયણના પાત્ર ભજવ્યા હતા. ખાસ કરીને ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવનારા અરૂણ ગોવિલ અને માતા સીતાની ભૂમિકા ભજવનારા દિપીકા ચીખલીયા, આ બંને કલાકારોએ તેમની પ્રતિભા વડે અપ્રતિમ લોકચાહના મેળવી છે.

ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે આગામી જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં યોજાનારા રામલલાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રામ-સીતાની ભૂમિકા ભજવનારા આ બંને કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અરૂણ ગોવિલે એક ઇન્ટરવ્યુમાં આ માહિતીની પુષ્ટી કરી હતી અને આમંત્રણ મળવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ગત 2 ડિસેમ્બરના રોજ આમંત્રિત મહેમાનોને મંદિર પ્રશાસન તરફથી આમંત્રણ પત્રિકાઓ મોકલી આપવામાં આવી હતી.


અરૂણ ગોવિલે જણાવ્યું હતું કે આ એક ખાસ ક્ષણ છે, એક આનંદની ક્ષણ છે અને શ્રેષ્ઠ તક છે. “મને રામમંદિરના આ ખાસ પ્રસંગમાં હાજરી આપવાનું કહેવામાં આવ્યું છે. જે મારા માટે ભાવવિભોર કરી દે તેવી વાત છે..” અરૂણે ઉમેર્યું.
રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજે 7000થી વધુ લોકો ઉપસ્થિત રહેવાની ધારણા છે. સમગ્ર અયોધ્યામાં માર્ચ સુધી સતત રંગારંગ કાર્યક્રમો યોજાશે. રાજકારણીઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ, રમતગમત, મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક ખ્યાતનામ લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.


પીએમ મોદી તો સ્વાભાવિક રીતે ઉપસ્થિત રહેશે જ, એ સિવાય 50 દેશોમાંથી અગ્રણીઓને આમંત્રણ પાઠવાયું છે. અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, કંગના રનૌત, સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રતન તાતા, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button