રામ ગોપાલ વર્માની રાજકારણમાં એન્ટ્રીઃ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત

પીઠાપુરમ: રામ ગોપાલ વર્મા પોતાની જુદી જ શૈલીની ફિલ્મો માટે જાણીતા છે અને સરકાર તેમ જ રંગીલા જેવી ફિલ્મોએે પણ ફિલ્મી જગતમાં જુદો જ ચિલો ચિતર્યો હતો. જોકે, ફિલ્મી દુનિયામાં પોતાનો ડંકો વગાડનારા રામગોપાલ વર્મા હવે રાજકારણના ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડવા જઇ રહ્યા છે.
રામ ગોપાલ વર્મા રાજકારણમાં પ્રવેશવાના હોવાના તેમ જ સાઉથના સુપર સ્ટાર પવન કલ્યાણની સામે આગામી લોકસભાની ચૂંટણી લડવાના હોવાના અહેવાલ મળી રહ્યા છે. રામ ગોપાલ વર્માએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(પહેલા ટ્વિટર) ઉપર આ માહિતી આપી હતી.

પીઠાપુરમ લોકસભાની બેઠક ઉપરથી પોતે ચૂંટણી લડવાના હોવાની જાહેરાત રામ ગોપાલ વર્માએ કરી છે. હવે ચૂંટણીના જંગમાં તેમનો સામનો સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ સાથે જામશે, કારણ કે તે પણ આ જ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડવાના છે.
તેમની પાર્ટી જન સેનાના ઓફિશિયલ એક્સ હેન્ડલ ઉપર પવન કલ્યાણે તે પીઠાપુરમ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવાના હોવાની જાહેરાત પહેલા જ કરી હતી. પીઠાપુરમ બેઠક એ આંધ્ર પ્રદેશની મહત્ત્વની બેઠક માનવામાં આવે છે અને ફિલ્મ જગતના બે દિગ્ગજો આ બેઠક ઉપરથી ચૂંટણી લડવાના હોઇ પીઠાપુરમની બેઠક ઉપરનો ચૂંટણીનો જંગ આ વખતે ઘણો રસપ્રદ બની રહેશે.
પવન કલ્યાણ પણ જાણીતા દિગ્ગજ કલાકાર છે અને રામ ગોપાલ વર્મા પણ પોતાની હટકે ફિલ્મો માટે જાણીતા છે. રામ ગોપાલ વર્મા રંગીલા, રક્ત ચરિત્ર, સરકાર, કતરા, કૌન જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. જ્યારે પવન કલ્યાણનો પોતાનો જ એક મોટો ચાહક વર્ગ છે.