અયોધ્યાઃ અયોધ્યામાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પૂરો થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈ લોકપ્રિય ક્રિકેટર, ઉદ્યોગપતિઓ, બોલીવુડના કલાકારો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પછી આખુ અવધપુરી 10 લાખ દીવડાથી ઝળહળી ઊઠ્યું હતું. અયોધ્યા સહિત દેશના દરેક શહેર-ગામડાઓમાં લોકોએ દિવાળીના માફક દીપ પ્રગટાવીને દિવાળીના માફક ઉજવણી કરી હતી.
અયોધ્યા, હનુમાનગઢીમાં દિવા કરવામાં આવ્યા હાત. કેનોટ પ્લેસ સહિત મહત્ત્વપૂર્ણ સ્થળોએ 1.25 લાખથી વધુ દીવડાથી દિલ્હી ઝળહળી ઊઠ્યું હતું. અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા આપી હતી. ભાષણના પ્રારંભમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આજે આપણા ઘરે રામ આવ્યા છે. 22મી જાન્યુઆરી કેલેન્ડર પર લખવામાં આવેલી એક તારીખ નથી, પરંતુ આ એક કાલચક્રનો ઉદ્ઘમ છે.
રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ પછી વડા પ્રધાન મોદી દિલ્હી પહોંચીને પોતાના નિવાસસ્થાનેથી રામજ્યોતિ પ્રગટાવી હતી અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પર શેર કરી હતી.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પછી સરયૂ ઘાટ ખાતે દિવાળીના માફક લાઈટિંગવાળા ફુવારાથી સમગ્ર પરિસર દીપી ઊઠ્યો હતો. રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પછી દેશભરના મંદિરોને લાઈટિંગ અને દિવડાઓથી સજાવવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ જટાયુ પ્રતિમાનું કર્યું અનાવરણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં કુબેર ટીલાની મુલાકાત લીધી હતી અને ભગવના શિવની પૂજા કરી હતી. તેમણે જલાભિષેક કર્યા બાદ મંદિરની પરિક્રમા પણ કરી હતી. રામ જન્મભૂમિ સંકુલમાં કુબેર ટીલા પર સ્થિત પ્રાચીન શિવ મંદિરનો પણ રામ મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. વડા પ્રધાને બાદમાં અયોધ્યા રામ મંદિરના પરિસરમાં જટાયુની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં જોડાયેલા કામદારો પર ફૂલની પાંખડીઓ વરસાવી હતી.