રાજ્યસભાના સાંસદોએ આ નીતિ-નિયમોનું કરવું પડશે પાલન
નવી દિલ્હીઃ આવતા સપ્તાહે શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર માટે રાજ્યસભાના સાંસદોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. એપ્રિલ-2022માં તેમને સંસદમાં કઈ રીતે વર્તવું, નીતિ-નિયમો અંગેની એક હેન્ડબુક આપવામાં આવી હતી, જેમાંના નિયમો ફરી યાદ કરાવવામાં આવ્યા છે.
તેમને મળેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે રાજ્યસભામાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર કોઈ પ્રચાર કરવામાં આવે નહીં. ઉપરાંત, જ્યાં સુધી અધ્યક્ષ નોટિસને મંજૂર ન કરે અને અન્ય સાંસદોને તેની જાણ ન કરે ત્યાં સુધી નોટિસને જાહેર કરવી જોઈએ નહીં.
સંસદના શિયાળુ સત્ર પહેલા સાંસદોને આપવામાં આવેલી સૂચનાઓમાં સંસદીય પરંપરાઓ અને પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી સાંસદો, ખાસ કરીને વિપક્ષના સાંસદો રાજ્યસભામાં કોઈપણ મહત્વપૂર્ણ મુદ્દાને ઉઠાવવા માટેની નોટિસ જાહેર કરી દે છે, પરંતુ હવેથી એમ નહીં બને.
આ સાથે ગૃહમાં ધન્યવાદ, આભાર, જય હિંદ, વંદે માતરમ જેવા નારા લગાવવા નહીં અને અધ્યક્ષએ જે વ્યવસ્થાઓ આપી હોય તેની ગૃહમાં કે ગૃહ બહાર ટીકા કરવી નહીં.
આ સાથે જ્યારે અધ્યક્ષ બોલતા હોય ત્યારે કોઈપણ સભ્યએ ગૃહ છોડવું નહીં. જ્યારે અધ્યક્ષ બોલે ત્યારે ગૃહમાં શાંતિ જાળવવી. ગૃહમાં બે સભ્યો એક સાથે ઊભા રહી શકતા નથી. સભ્યોએ સીધા અધ્યક્ષ પાસે આવવું જોઈએ નહીં, તેઓ એટેન્ડન્ટને સ્લિપ મોકલી શકે છે.
સભ્યોએ લેખિત ભાષણો વાંચવા જોઈએ નહીં. ગૃહમાં સભ્યોની હાજરી નોંધવી જરૂરી છે. જો કોઈ સાંસદ પરવાનગી વગર 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેની સીટ ખાલી જાહેર કરવામાં આવી શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સરકારે શિયાળુ સત્ર માટે રાજ્યસભામાં 17 બિલની યાદી આપી છે, જેમાંથી સાત નવા બિલ છે.
પોસ્ટ ઓફિસ બિલ અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેનું બિલ પણ રાજ્યસભામાં પ્રસ્તાવિત કરવામાં આવશે. લોકસભામાં પેન્ડિંગ જમ્મુ-કાશ્મીરને લગતા ચાર બિલ રાજ્યસભામાં પણ લિસ્ટ કરવામાં આવ્યા છે.