નવી દિલ્હી: 3 રાજ્યોની 15 રાજ્યસભા બેઠકો માટે આજે મંગળવારે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ખાલી થયેલી 56 બેઠકોમાંથી 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જયારે બાકીની 15 બેઠકો માટે મતદાન થશે. ઉત્તર પ્રદેશનની વિધાનસભામાં મતદાન રસપ્રદ રહેશે, ભાજપે વધારાના ઉમેદવાર ઉભા કરીને સમાજવાદી પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે.
ઉત્તર પ્રદેશ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં સ્પર્ધા રહેશે છે. કોંગ્રેસ શાસિત બે રાજ્યો કર્ણાટક, હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકો અને ઉત્તર પ્રદેશની એક બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષના વિધાનસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે, ભાજપને રાષ્ટ્રીય લોકદળ પાસેથી વધારાના મત મળવાની અપેક્ષા છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો માટે 11 ઉમેદવારો ઉભા કરીને સપાની મુશ્કેલીઓ વધારી દીધી છે.
ભાજપે ઉત્તર પ્રદેશથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન આરપીએન સિંહ, પૂર્વ સાંસદ ચૌધરી તેજવીર સિંહ, વરિષ્ઠ નેતા અમરપાલ મૌર્ય, પૂર્વ પ્રધાન સંગીતા બલવંત, સુધાંશુ ત્રિવેદી, પૂર્વ વિધાનસભ્ય સાધના સિંહ અને આગ્રાના પૂર્વ મેયર નવીન જૈનને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીના આઠમા ઉમેદવાર પૂર્વ સપા સભ્ય સંજય સેઠ છે.
ભાજપના 7 ઉમેદવારો અને 3 એસપી ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીતી શક્યા હોત, પરંતુ ભાજપે તેના 8મા ઉમેદવાર તરીકે સંજય શેઠને મેદાનમાં ઉતારીને સપાને મુશ્કેલીમાં મૂકી છે. ભાજપને તેના 8મા ઉમેદવારને જીતવા માટે 19 વોટની જરૂર પડશે, જ્યારે સપાના ત્રીજા ઉમેદવારને જીતવા માટે 1 વોટની જરૂર પડશે.
સપાએ પૂર્વ સાંસદ જયા બચ્ચન, નિવૃત્ત IAS અધિકારી આલોક રંજન અને દલિત નેતા રામજી લાલ સુમનને મેદાનમાં ઉતાર્યા છે. આ કારણે તેમના સાથીદાર અપના દળ (કામરાવાડી)ના નેતા પલ્લવી પટેલે મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે તે વોટ નહીં આપે કારણ કે તે જયા બચ્ચન અને આલોકને મેદાનમાં ઉતારવાના નિર્ણય સાથે સહમત નથી.
હિમાચલ પ્રદેશમાં એક બેઠક માટે બે ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે કર્ણાટકમાં ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે. હિમાચલમાં ભાજપે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી સામે હર્ષ મહાજનને મેદાનમાં ઉતારીને રાજ્યની એકમાત્ર બેઠક પર હરીફાઈ વધારી છે. જ્યારે કોંગ્રેસ પાસે 40 અને ભાજપ પાસે 25 વિધાન સભ્યો છે.
આંકડા જોતા કર્ણાટકમાં ક્રોસ વોટિંગના ડરથી કોંગ્રેસે તમામ વિધાનસભ્યોને વોટિંગ સુધી બેંગલુરુની એક હોટલમાં મોકલી દીધા છે. કર્ણાટકમાં કોંગ્રેસ માટે ચારમાંથી ત્રણ બેઠકો જીતવી આસાન હતી, પરંતુ બીજેપી-જેડીએસના અન્ય ઉમેદવારો મેદાનમાં હોવાથી સ્થિતિ વધુ વણસી છે.
હિમાચલ પ્રદેશમાં, કોંગ્રેસે એકમાત્ર રાજ્યસભા બેઠક પર ચૂંટણી માટે તેના વિધાનસભ્યોને વ્હિપ જાહેર કર્યો છે, જેના પર ભાજપે નારાજગી વ્યક્ત કરી છે.
સપાનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં બધુ બરાબર છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના લગભગ 10 વિધાનસભ્ય ક્રોસ વોટિંગ કરી શકે છે. રાજ્યસભાની સીટ જીતવા માટે ઉમેદવારને 37 વિધાનસભ્યોના વોટની જરૂર હોય છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે સપાના 10 જેટલા વિધાનસભ્યો તેમના સંપર્કમાં છે.
Taboola Feed