હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલી ‘રોકડ’નો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો, કોંગ્રેસે આપ્યું આ નિવેદન

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે નવો મુદ્દો ગુંજ્યો છે, ન્યાયાધીશના ઘરમાંથી રોકડ રકમ મળી આવી હતી. રાજ્યસભાની સભાપતિ જગદીપ ધનખડે આ મુદ્દા પર વ્યવસ્થિત ચર્ચા કરવા માટે યોગ્ય સ્થાનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જ્યારે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ન્યાયિક જવાબદારી પર અધ્યક્ષનો પ્રતિભાવ માંગ્યો હતાં, આ સાથે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સામે મહાભિયોગ અંગેની પેન્ડિંગ નોટિસની યાદ અપાવી હતી. ચાલો જાણીએ સમગ્ર વિગતો…
આ પણ વાંચો: ઘરમાં આગ લાગતાં મળ્યો રૂપિયાનો ભંડાર, જાણો કોણ છે ન્યાયાધીશ યશવંત વર્મા…
કોગ્રેસ સાંસદ જ્યરામ રમેશે સભાપતિને શું યાદ અપાવ્યું?
રાજ્યસભામાં કોગ્રેસ સાંસદ જ્યરામ રમેશે કહ્યું કે, અધ્યક્ષે પોતે વારંવાર ન્યાયિક જવાબદારીની જરૂરિયાત વિશે વાત કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ધનખરને એ પણ યાદ અપાવવાનો પ્રયાસ કર્યો કે, તેમણે આ મુદ્દા પર ગૃહના નેતાને સૂચના આપી હતી. તેમણે કહ્યું, “હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આ અંગે કેટલીક ટિપ્પણીઓ કરો અને સરકારને ન્યાયિક જવાબદારી વધારવા માટે દરખાસ્ત લાવવા માટે જરૂરી નિર્દેશો આપો.”
ન્યાયાધીશના નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી
વધુમાં સાંસદ જયરામ રમેશે કહ્યું કે, આજે સવારે આપણે દિલ્હી હાઈકોર્ટના એક ન્યાયાધીશના નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હોવાના ચોંકાવનારા કિસ્સા વિશે વાંચ્યું. તેમણે એ પણ માહિતી આપી હતી કે આ પહેલા 50 સાંસદોએ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ અંગે અધ્યક્ષને નોટિસ આપી હતી. આ મુદ્દે કહ્યું ધનખડે કહ્યું કે, આ ઘટના બની પરંતુ દુઃખ એ વાતનું છે કે, સત્વરે સામે ના આવી.
ધનખડે કહ્યું કે, જો આવી ઘટના કોઈ રાજકારણી, અમલદાર કે ઉદ્યોગપતિને સંબંધિત હોત તો તે વ્યક્તિ તરત જ ‘લક્ષ્ય’ બની ગઈ હોત. મને વિશ્વાસ છે કે એક પારદર્શક, જવાબદાર અને અસરકારક પ્રણાલીગત પ્રતિભાવ ઉભરી આવશે,” વધુમાં અધ્યક્ષે કહ્યું હતું કે, તેઓ ગૃહના નેતા અને વિરોધ પક્ષના નેતાનો સંપર્ક કરશે અને સત્ર દરમિયાન ચર્ચા કરવાનો પ્રયાસ કરશે.
આખરે શું હતો આ સમગ્ર મામલો?
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, દિલ્હી હાઈકોર્ટ સમક્ષ એક વરિષ્ઠ વકીલે જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનમાંથી મોટી રકમની રોકડ રકમની કથિત રિકવરી પર દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જો કે, આજે જસ્ટિસ વર્મા કોર્ટમાં હાજર નહોતા. અહીં તેમના નિવાસસ્થાનમાંથી મોટી રકમ રોકડ મળી આવી હતી જેથી સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જસ્ટિસ વર્માને દિલ્હી હાઈકોર્ટથી તેમના પિતૃ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.