(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા અને અમદાવાદના મેયર અને પદાધિકારીઓની સોમવારે જાહેરાત કરવામાં આવ્યા બાદ મંગળવારે સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર સહિત ચાર મહાનગરોના નવા મેયરો અને પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં દક્ષેશ માવાણી અને રાજકોટમાં નયનાબેન પેઢડિયાનાં નામો નવા મેયર તરીકે જાહેર કરાયાં હતાં. ભાવનગરમાં ભરતભાઈ બારડનું નામ મેયર તરીકે જાહેર કરાયું હતું. તો જામનગરમાં વિનોદ ખીમસુરીયા નવા મેયર બન્યા હતા. રાજકોટના ૨૨ માં મેયર તરીકે નયનાબેન પેઢડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ મનપાના ૭૫ પદાધિકારીઓના નામની જાહેરાત પણ કરવામાં આવી હતી. પદાધિકારીઓ અને ૧૫ પેટા કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. તો ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, દંડક તરીકે મનીષ રાડીયા, શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવ અને સ્ડેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે જયમીન ઠાકરની જાહેરાત કરવામાં આવી હતી. સુરતના દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા હતા. તો નરેન્દ્ર પાટીલની ડેપ્યુટી મેયર તરીકે જાહેરાત કરાઈ હતી. મેયર, ડેપ્યુટી મેયર તથા સુરત મનપાના અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે નામો ચર્ચામાં હતાં તેનાથી સાવ વિપરીત નામ જાહેર થયા હતા. સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રાજનભાઈ પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ભાવનગર મનપામાં ભરતભાઈ બારડ શહેરના નવા મેયર બન્યા હતા. તો મોના પારેખ ડેપ્યુટી મેયર બન્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુ રાબડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જામનગરના મેયરના પદ માટે વિનોદ ખીમસુરીયાના નામ પર મહોર લાગી હતી. તો ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ હતી. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોષીના નામ પર મહોર લાગી હતી અને દંડક પદે કેતન નખવાની જાહેરાત કરાઈ હતી.
