નેશનલ

રાજકોટમાં અકસ્માતની ઘટના ટ્રીપલ મર્ડરની: પતિએ પત્ની, તેના પ્રેમી અને પુત્રને પતાવી દીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે આજીડેમ ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોનાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દરમિયાન આ ઘટના ટ્રીપલ મર્ડરની હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે. પતિએ એક્ટિવાને ટ્રકની ઠોકરે લઈ પત્ની, તેના પ્રેમી અને પુત્રને પતાવી દીધાનું સામે આવ્યું છે.

આજીડેમ ચોકડી પાસે એક ટ્રક ક્ધટેનરે ટુવ્હિલરને ઠોકરે ચડાવતા એક દસ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બે ઘાયલ થયેલા વ્યક્તિ નવનીત રામજીભાઈ વરૂ (ઉ.વ.૨૪) અને પારૂલબેન દાફડા (ઉ.વ.૩૨)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનાં મોત થયાં હતાં. આજીડેમ પીઆઇ એલ.એલ.ચાવડા, મેરૂભા ઝાલા, હારૂનભાઈ સહિતની ટીમે તપાસ કરતા ટ્રક મૃતક મહિલાનો પતિ પ્રવીણ ચલાવતો હતો. વિશેષ તપાસ માટે પ્રવિણને પોલીસે ઉઠાવી પૂછપરછ કરતાં તેણે ત્રણેયની ઉપર ટ્રક ફેરવી હત્યા કર્યાનું ખુલતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં અકસ્માત સર્જી ત્રણ લોકોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પહેલાં શહેરના આજી ડેમ ચોકડી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા સવાર ત્રણ લોકોનાં મોત થયાં હોવાની ઘટના સામે આવી હતી. જોકે, અકસ્માતની ઘટના મામલે પોલીસે તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાનો ખુલાસો થયો છે. જેમાં યુવતીના પતિએ જ હત્યા કરવાના ઈરાદે ટ્રક એક્ટિવા પર ચડાવી પત્ની પારુલ, પત્નીના પ્રેમી નવનીત અને પોતાના ૧૦ વર્ષના બાળક ઉપર ટ્રક ચડાવી દઈ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ સૂત્રોએ આ અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં મૃતક મહિલાને નવનીત રામજીભાઈ વરૂ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી આ મામલે પારુલના પતિ સાથે માથાકૂટ ચાલતી હતી. જેને લઇને પારુલના પતિએ જ હત્યા કરવાના ઈરાદે ટ્રક એક્ટિવા પર ચડાવી પત્ની પારુલ, પત્નીના પ્રેમી નવનીત અને પોતાના ૧૦ વર્ષના બાળકની હત્યા કરી હતી. હાલ પીઆઇ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આરોપી પતિને સકંજામાં લઈ આઇપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ
ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button