આ આઠ નિર્ણયો અમલમાં મૂકી નવભારતનો પાયો નાખ્યો હતો આ નેતાએ
રાજકારણીઓની છબિ આપણા માનસમાં મોટે ભાગે નકારાત્મક જ હોય છે. બહુ ઓછા નેતાઓ છે જેમની વિરોધપક્ષ ગમે તેટલી ટીકા કરે પણ લોકોના હૃદયમાં તેમનું સ્થાન જળવાયેલું રહે છે અને તેમના અમુક કામ અને નિર્ણયો માટે લોકો તેમને વર્ષો સુધી યાદ કરે છે. આમાંના એક નેતાનો આજે જન્મદિવસ છે. આ નેતા રાજકીય પરિવારમાંથી આવે છે અને વડા પ્રધાનપદ સુધી નાની ઉંમરે એટલા માટે પહોંચ્યા કારણ કે તે એક ખાસ પરિવારમાંથી આવતા હતા, પરંતુ તેમણે પોતાના કામ અને સૂઝબૂઝથી સાબિત કરી આપ્યું કે મોરના ઈંડા ચિતરવા ન પડે.
વાત છે દેશના સાતમા અને સૌથી યુવાન વયના વડા પ્રધાન રાજીવ ગાંધીની. આજના દિવસે 1944માં જન્મેલા રાજીવ ગાંધી પાયલોટ હતા અને અનિચ્છાએ રાજકારણમાં આવ્યા હતા, પરંતુ તેમણે દુરંદેશી વાપરી એવા નિર્ણયો લીધા કે તેમને આધુનીક ભારતના ઘડવૈયા કહેવામાં આવે છે અને તેમણે વાવેલા વૃક્ષના ફળો આજે આપણે ખાઈ રહ્યા છીએ.
ચાલો જાણીએ એ આઠ નિર્ણય વિશે જે તેમના કાર્યકાળમાં લેવાયા અને ભારત માટે ગેમ ચેન્જર સાબિત થયા.
- જો તમે 18 વર્ષના હો અને તમારી પાસે વૉટિંગ કાર્ડ હોય તો તે રાજીવ ગાંધીને આભારી છે. પોતે 40 વર્ષની વયે જ વડા પ્રધાન બન્યા હતા, તેથી તેઓ માનતા હતા કે દેશના 18 વર્ષથી ઉપરના યુવાનો પોતાનો નેતા પસંદ કરી શકવા સક્ષમ છે, આથી તેમણે મતદાનની ઉંમર ઘટાડીને 21માંથી 18 વર્ષ કરી. ઘણા વિરોધ બાદ પણ તેઓ અડગ રહ્યા અને તેથી દેશની સરકારને પસંદ કરવામાં મોટા ભાગના નાગરિકોનો ફાળો શક્ય બન્યો.
- જે ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીનનો આજે કૉંગ્રેસ જ વિરોધ કરે છે તે પણ રાજીવ ગાંધીની દેન છે. બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં વધારે ધાંધલ થઈ શકે છે અને તટસ્થ નિર્ણય આવવાનું અઘરું છે આથી વધારે વિશ્વસનીય અને ઝડપી સિસ્ટમ તરીકે તેમણે ઈવીએમને પ્રોત્સાહન આપ્યું.
- આ ન્યૂઝ તમે જે ડિજિટલ ફોર્મમાં વાંચી રહ્યા છો તે સંપૂર્ણપણે રાજીવ ગાંધીને આભારી છે. દેશમાં કૉમ્પ્યુટર ક્રાંતિ લાવનારા રાજીવ ગાંધી હતા. તે સમયે તેનો ભારે વિરોધ થયો હતો અને ભારતમાં રોજગારીની સમસ્યા ઊભી થશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ આજે સૌથી વધારે રોજગારીની તકો આઈટી ક્ષેત્રમાં છે અને ભારત દુનિયામાં આઈટી ક્ષેત્રમાં સારું નામ ધરાવે છે. આ સાથે કૉમ્પ્યુટર અને ઈન્ટરનેટને લીધે જ જીવન આટલું આસાન થઈ ગયું છે.
- દૂરસંચાર ટેકનોલોજી એટલે કે ટેલિકૉમ ટેકનોલોજી લાવનારા પણ રાજીવ ગાંધી જ. ગામડે ગામડે સંદેશાવ્યવહારની સવલતો તેમના કારણે જ ઊભી થઈ છે. 80ના દાયકામાં જો દેશમાં આ વ્યવસ્થાઓ ઊભી નહીં કરીએ તો દુનિયા સાથે ખભે ખભા મિલાવી ચાલી શકશું નહીં તે રાજીવ ગાંધીને સમજાયું અને તેમણે ટેલિકોમ ટેકનોલોજીના વિકાસ માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમૈક્સની સ્થાપના કરી.
- મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ભારત દેશ તેના ગામડામાં વસે છે. આ ગામડાઓને મજબૂત અને સ્વાવલંબી બનાવતો પંચાયતી રાજનો કાયદો રાજીવ ગાંધી લાવ્યા હતા અને આ રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી ગામડાઓને સ્વાયતત્તા તેમના લીધેલા નિર્ણયને કારણે મળી.
- ગામડાના અને ઓછી સવલતો ધરાવતા વિદ્યાર્થીઓને પણ સારું શિક્ષણ મળે અને આ સાથે તેમના રહેવા-કરવાની સુવિધાઓ પણ હોય તેવો વિચાર રાજીવ ગાંધીએ કર્યો અને નવોદય વિદ્યાલયની સ્થાપના કરી. જેમાં પ્રવેશ પરીક્ષા બાદ બાળકોને એડિમશન આપવામાં આવતું અને ત્યારબાદ તેમના 12 ધોરણ સુધીનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉપાડવામાં આવતો હતો.
- 1962ના યુદ્ધ બાદ પાડોશી દેશ ચીન સાથે સંબંધો સુધારવા આવશ્યક હતા. જે દેશ સાથે યુદ્ધ કર્યું તેની જ મુલાકાત લઈ ત્યાં શાંતિ અને વ્યાપારીક સંબંધો સ્થાપવાનું કામ રાજીવ ગાંધીએ કર્યું.
- એક ગ્રાહક તરીકે જ્યારે તમે કાળાબજારી, ભેળસેળ કે છેતરામણીનો શિકાર બનો છો ત્યારે તમે જે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જાઓ છો તે રાજીવ ગાંધીના પ્રયાસોથી શક્ય બન્યું છે. 1986માં તેમના કાર્યકાળમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બન્યો અને ગ્રાહકોની સુરક્ષાને મહત્વ આપવામાં આવ્યું.
બહુ વહેલી વિદાય લીધી યુવા નેતાએ
માતા અને દેશનાં પહેલા મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થતાં દેશનું સૂકાન રાજીવ ગાંધીએ સંભાળ્યુ. ભારતમાં જ નહીં વિદેશોમાં પણ આટલી નાની ઉંમરે આવડી મોટી જવાબદારી લેનારા નેતાઓ લગભગ ઓછા હશે. જોકે માતાની જેમ રાજીવ ગાંધીની પણ હત્યા થઈ. 21મી મે, 1991ના રોજ તમીળનાડુમાં તેમના પર આત્મઘાતી હુમલો થયો અને તેમનું નિધન થયું. દેશે એક બાહોશ, ઉચ્ચ શિક્ષિત, વહીવટકુશળ વડા પ્રધાન ગુમાવ્યા. આજે તેમનો 80મો જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી આપી છે. પત્ની સોનિયા અને પુત્ર રાહુલ તેમ જ પુત્રી પ્રિયંકાએ તેમને યાદ કર્યા છે અને તેમના ભારત નવનિર્માણના અધૂરા સપનાઓને પૂરા કરવાની નેમ લીધી છે.