નવી દિલ્હી : દિલ્હીના રાજેન્દ્ર નગરમાં(Rajendra Nagar Tragedy) IASની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોતનો મામલો જોર પકડી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપે AAP સરકાર પર નિશાન સાધ્યા બાદ હવે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાષ્ટ્રીય પ્રવાસી મંચે આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. રાષ્ટ્રીય પ્રવાસી મંચે પોતાની અરજીમાં દિલ્હી સરકાર, MCD અને રાવ કોચિંગ સેન્ટરને પક્ષકાર બનાવ્યા છે. અરજીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને પીડિત પરિવારને વળતરની માંગ કરવામાં આવી છે.
સોમવારે દાખલ કરવામાં આવેલી અરજીમાં રાષ્ટ્રીય પ્રવાસી મંચે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં રાજેન્દ્ર નગર ઘટનાની સ્વતંત્ર તપાસની પણ માંગ કરી છે. આ ઉપરાંત અરજદારે અન્ય રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને માર્ગદર્શિકા બનાવવાની પણ વિનંતી કરી છે.
દિલ્હી સરકાર પાઠ શીખવા તૈયાર નથી
આ પહેલા દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ બેદરકારી સામે અને ન્યાય માટે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની સાથે છે. મુખર્જી નગરમાં બનેલી ઘટનાઓથી દિલ્હી સરકારે કોઈ બોધપાઠ લીધો નથી. આ ખૂબ જ ખોટું વલણ છે કે ઘટના પછી તરત જ સરકાર અને સરકારી પ્રતિનિધિઓ ત્રણ-ચાર દિવસ ચર્ચા કરીને અને મોટી જાહેરાતો કરીને રાજનીતિ કરે છે.
આરોપ-પ્રત્યારોપનો સિલસિલો
તાજેતરમાં દિલ્હી મેટ્રો પટેલ નગર સ્ટેશનના ગેટ પર વીજ કરંટથી મૃત્યુ પામેલા નીલેશ રાયની તપાસ બાદ કોઇ એક્શન લેવામાં આવ્યા નથી. હવે મંત્રી આતિશીએ તરત જ ભોંયરામાં થયેલી ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. રાજેન્દ્ર નગરમાં રાવ IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં વરસાદી પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. હવે આને લઈને દિલ્હીમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે.