રાજસ્થાનના જેસલમેર, જોધપુર જિલ્લામાં 200 મિલિમીટરથી વધુ વરસાદ, અનેક ટ્રેનો રદ્દ
જયપુર: રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં સોમવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જેસલમેર, જોધપુર અને પાલી જિલ્લામાં ઘણી જગ્યાએ અતિ ભારે એટલે કે 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં શ્રાવણની શરૂઆત વરસાદી, સર્વત્ર વાદળછાયું વાતાવરણ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે સાડા આઠ વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાકમાં જેસલમેરના મોહનગઢમાં 260 મીમી, ભનિયાણામાં 206 મીમી, જોધપુરના દેચુમાં 246 મીમી અને પાલીમાં 257 મીમી વરસાદ નોંધાયો હતો.
દરમિયાન જે સ્થળોએ અતિ ભારે વરસાદ વરસ્યો છે જેમા પાલીના મારવાડ જંક્શન (166 મીમી) અને રોહટ (134 મીમી), જોધપુરના લોહાવત (189 મીમી), જાલોરના આહોર (157 મીમી), બાડમેરના સમદડી (193 મીમી) અને અજમેરના નસીરાબાદ (165 મીમી)નો સમાવેશ થાય છે.
રાજ્યમાં સતત ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ઉત્તર-પશ્ચિમ રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જોધપુર ડિવિઝનના કેરલા-પાલી મારવાડ યાર્ડ વચ્ચે પાણી ભરાવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઇ હતી. તેમણે કહ્યું કે ટ્રેક ભીડને કારણે જોધપુર-સાબરમતી અને મારવાડ જંક્શન-ખામલી ઘાટ-મારવાડ જંકશન ટ્રેનો મંગળવારે રદ રહેશે. આ સિવાય ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.