રાજસ્થાનઃ કરણી સેનાના અધ્યક્ષની હત્યાના શૂટરની ઓળખ થઈ, આ બહાને ઘુસ્યા હતા ઘરમાં
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારનાર બે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે, જે નાગૌરના મકરાણાનો રહેવાસી છે. જ્યારે અન્ય એકનું નામ નીતિન ફૌજી છે, જે હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. સુખદેવસિંહ ગોગામેડીની ગઈકાલે શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર શૂટરો સંપૂર્ણ પ્લાનિંગ મુજબ ગોગામેડીને મારવા આવ્યા હતા. તેઓ ખાનગી શાળાઓને નિયમિત કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવાના બહાને તેમના ઘરમાં ઘુસ્યા હતા.
ગોગામેડીના ઘરના ડ્રોઈંગરૂમમાં બેસીને પણ આ બાબતની ચર્ચા થઈ રહી હતી. ચર્ચા દરમિયાન અચાનક શૂટરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તેની તપાસ આગળ ધપાવી રહી છે.
જોકે તેમની હત્યા બાદ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં માહોલ તંગ બન્યો છે. અહીં વિવિધ સ્થળોએ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અલ્વર બસ સ્ટેન્ડ રોડ પર 3 કલાકથી ટ્રાફિકજામ છે. રાજપૂત સમાજના આગેવાનો રસ્તા પર બેસીને હત્યારાઓને પકડવાની માંગ કરી રહ્યા છે. આજે રાજસ્થાનમાં ખાનગી શાળાઓ અને કોલેજો પણ બંધ છે. કોઇપણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે પોલીસ પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. વિવિધ સ્થળોએ પોલીસ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.
અગાઉ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. આ ઘટના અંગે જયપુરના પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે ત્રણ લોકો સુખદેવ સિંહના ઘરે આવ્યા હતા અને તેઓ તેમને મળવા માંગતા હતા. હુમલાખોરો ઘરમાં ઘૂસી ગયા હતા. થોડા સમય સુધી તેઓએ ખાનગી શાળાઓમાં નિયમિત કરવાની માંગ અંગે વાત કરી અને પછી અચાનક ગોળીબાર કર્યો હતો.