રેપના આરોપીને ફાયદો પહોંચાડવા માટે સ્કૂલના પ્રિન્સિપાલે કર્યું આ કારસ્તાન…
જયપુરઃ રાજસ્થાનની પોલીસે સ્કૂલના એક પ્રિન્સિપાલની ધરપકડ કરી છે, જેમાં પ્રિન્સિપાલની સામે રેપ પીડિતાના જન્મના રેકોર્ડમાં છેડછાડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહીંની એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ અને ૧૪ વર્ષીય બળાત્કાર પીડિતાના પિતાની કિશોરીની ખોટી જન્મ નોંધણી મામલે ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું.
મુરલીપુરા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર(એસએચઓ) સુનીલ કુમાર જાંગીડના જણાવ્યા અનુસાર પ્રિન્સિપાલની ગુરૂવારે દેવરિયાથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે કિશોરીના પિતાને શનિવારે રાત્રે રાજસ્થાનના બેહરોરથી ઝડપી લેવામાં આવ્યા હતા. કિશોરીએ જુલાઇમાં એફઆઇઆર નોંધાવી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે તેની કાકીએ તેને હરિયાણા નિવાસી સંદીપ યાદવને બે લાખ રૂપિયામાં વેચી દીધી હતી અને ત્યાર બાદ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
આઇપીસી અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ બાદ તેના કાકી, સંદીપ યાદવ અને તેના પિતા સતવીર યાદવની ધરપકડ કરવામાં આવી હતી અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન કિશોરીના પિતા સંજયે ઉત્તર પ્રદેશની એક ખાનગી શાળાનો સંપર્ક કરીને ખોટી જન્મ નોંધણી મેળવી હતી, જેથી કિશોરી સગીર નહીં પણ પુખ્ત હોવાનો દાવો કરી શકાય.
એસએચઓએ જણાવ્યું કે શાળાના પ્રિન્સિપાલ પ્રાણનાથ માલે શાળાના રજિસ્ટર સાથે છેડછાડ કરી અને ખોટી જન્મ નોંધણી આપી હતી. દસ્તાવેજમાં કિશોરીનું ખોટું જન્મ વર્ષ ૨૦૦૩ લખવામાં આવ્યું હતું. અમને જાણવા મળ્યું કે જન્મનું વર્ષ ૨૦૧૦માંથી ૨૦૦૩ કરી દેવામાં આવ્યું છે, જેથી તેની ઉંમર ૨૧ વર્ષ થઇ ગઇ હતી.
એસએચઓએ કહ્યું કે કિશોરીએ એફઆઇઆર નોંધાવ્યા પછી પોલીસે તેનો રેકોર્ડ મેળવ્યો હતો. જેમાં તે સગીર છે. જ્યારે બીજો દસ્તાવેજ સામે આવ્યો ત્યારે પોલીસને તે ખોટા હોવાની શંકા ગઇ અને અલગ કેસ નોંધ્યો. તેમજ ચકાસણી માટે એક ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ટીમને જાણવા મળ્યું કે શાળાના રજિસ્ટર સાથે છેડછાડ કરવામાં આવી હતી. રજિસ્ટર જપ્ત કરવામાં આવ્યું અને પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે કિશોરીના પિતાએ ખોટા રેકોર્ડ માટે તેનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ તેના પિતાની પણ શનિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. એસએચઓએ કહ્યું કે દસ્તાવેજો સાથે છેડછાડ સંબંધિત બીજા કેસમાં પ્રિન્સિપાલ અને કિશોરીના પિતાની ધરપકડ કરવામાં આવી છે.