બંધારણમાં નાયબ મુખ્ય પ્રધાન જેવું કોઈ પદ હોતું નથી
જયપુર: રાજસ્થાનમાં જીત બાદ ભાજપે ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન અને દિયા કુમારીની સાથે પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતો. 15 ડીસેમ્બરના રોજ ભજનલાલ શર્માએ રાજ્યના નવા સીએમ તરીકે શપથ લીધા હતો. તેમની સાથે સાથે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે, પરંતુ હાલમાં બંને ડેપ્યુટી સીએમના શપથને લઈને નવો વિવાદ ઉભો થયો છે. જયપુરના વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ બંને નાયબ મુખ્ય પ્રધાનો વિરુદ્ધ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે.
વકીલ ઓમ પ્રકાશ સોલંકીનું કહેવું છે કે બંધારણમાં નાયબ મુખ્ય પ્રધાન જેવું કોઈ પદ હોતું નથી. આ એક રાજકીય પોસ્ટ છે અને તે ગેરબંધારણીય છે. અને એટલે જ મે આ બંને વિરુદ્ધ પીઆઇએલ દાખલ કરી છે.
નોંધનીય છે કે 15 ડિસેમ્બરના રોજ જયપુરમાં આલ્બર્ટ હોલની સામે આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન અને દિયા કુમારી-પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. જે બાદ સીએમ અને બંને ડેપ્યુટી સીએમ એ એક જ દિવસે ચાર્જ સંભાળ્યો હતો. દિયા કુમારીએ 15 ડિસેમ્બરના રોજ સાંજે ઔપચારિક પૂજા બાદ સચિવાલય કાર્યાલયમાં ચાર્જ સંભાળ્યો હતો.
આ સમારોહમાં મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત અને અન્ય લોકોએ દિયા કુમારીને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોષી ઉપસ્થિત રહ્યા હતા. દિયા કુમારીએ પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના આશીર્વાદ પણ લીધા હતા.
રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 115 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 69 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. રાજ્યની કરણપુર બેઠકની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.