રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાનની મુશ્કેલી વધશે, મોટા કૌભાંડનો આરોપ…
જયપુર: અત્યારે જાણે ઈડીની સિઝન ચાલી રહી છે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે હવે રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન પણ જાણે ઈડીની રડાર પર હોય તેવું લાગી રહ્યું છે. અગાઉની ગેહલોત સરકાર દરમિયાન યોજાયેલી ગ્રામીણ ઓલિમ્પિક રમતોનો મુદ્દો આજે સાદુલપુરના ધારાસભ્ય મનોજ ન્યાંગલીએ રાજસ્થાન વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. ન્યાંગલીએ રમતોના આયોજનમાં મોટા કૌભાંડના આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગ્રામીણ ઓલિમ્પિક પર 1.95 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાંથી રૂ. 1 અબજ 26 કરોડની કિંમતના તો શોર્ટ્સ અને ટી-શર્ટનું જ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે વિધાનસભામાં આ ઘટનામાં તપાસ કરવાની માંગ સરકાર પાસે કરી હતી. આ ઉપરાંત ગૃહમાં ધારાસભ્ય મનોજ ન્યાંગલીએ કૌભાંડની સાથે સાથે અન્ય આક્ષેપો પણ કર્યા હતા. તેમણે અધિકારીઓ પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે ત્રણ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ અને રમતગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડે કહ્યું હતું કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ ખરેખર એક ખોટી બાબત છે કે જેટલું બજેટ હતું તેના કરતા પણ વધારે ખર્ચ થઈ ગયો હતો. તે સમયના ટેન્ડર પ્રક્રિયાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ તપાસ નાણાં વિભાગ દ્વારા કરવામાં આવશે. તેમજ ચીફ સ્પોર્ટ્સ ઓફિસરની પણ તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત બારણ જિલ્લામાં થતા ગેરકાયદે ખનનના પડઘા પણ ગૃહમાં સંભળાયા હતા. ધારાસભ્ય લલિત મીણાએ આ મદ્દો ઉઠાવતા કહ્યું હતું કે અત્યારે બારણ જિલ્લામાં લીઝ વગર માઈનીંગ થઈ રહ્યું છે. તેના પર પ્રધાન ગજેન્દ્ર સિંહ ખિંવસારે જવાબ આપ્યો કે 15 જાન્યુઆરીથી ગેરકાયદેસર ખનન વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બારણમાં અત્યાર સુધીમાં ગેરકાયદેસર ખનનનાં 18 કેસ ઝડપાયા છે. અમે ત્યાંથી મળેલી તમામ ફરિયાદો પર કાર્યવાહી કરીશું.
જ્યારે બુંદીના ધારાસભ્ય હરિમોહન શર્માએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ ગેરકાયદેસર ખાણકામના નામે અત્યાચાર કરી રહી છે. તેમણે બુંદીના પોલીસ અધિક્ષક પર પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે એક જગ્યાએ પાર્ક કરાયેલા વાહનો પોલીસે જપ્ત કરી લીધા છે. અને બુંદી પોલીસે આ વાહનો વિશે એવું કહ્યું હતું કે તે ખનનના ઉપયોગમાં લેવાતા હતા પરંતુ જ્યારે લોકોએ હોબાળો કર્યો ત્યારે તે વાહનોને પરત આપવામાં આવ્યા હતા.