ચૂંટણી પહેલા જ ઉમેદવારનું નિધન, રાજસ્થાનની આ એક બેઠક પર હવે નહિ થાય મતદાન

જયપૂર: ચૂંટણીની ધમાધમ વચ્ચે રાજસ્થાન કોંગ્રેસ માટે એક માઠા સમાચાર છે. રાજસ્થાનના કરણપુર વિધાનસભા બેઠક પર હાલ ધારાસભ્ય તથા પૂર્વ પ્રધાન ગુરમીત સિંહ કુન્નરનું નિધન થયું છે. તેમની લાંબા સમયથી દિલ્હી AIIMSમાં સારવાર ચાલી રહી હતી. તેઓ આગામી વિધાનસભા ચૂંટણી માટે પણ કોંગ્રેસ પક્ષ તરફથી કરણપુર માટે લડવાના હતા.
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ ધારાસભ્યનું અવસાન થતા રાજ્યના સીએમ અશોક ગહેલોતે સોશિયલ મીડિયા પર તેમને શોકાંજલિ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું હતું કે “કરણપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગુરમીત સિંહ કુન્નરના નિધનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. કુન્નર લાંબા સમયથી અસ્વસ્થ હોવા છતાં હંમેશા તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે પ્રયત્નશીલ હતા. કુન્નર સાહેબનું અવસાન કોંગ્રેસ પાર્ટી અને રાજસ્થાનના રાજકારણ માટે મોટી ખોટ છે. ભગવાન દિવંગતના આત્માને શાંતિ અને પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું.” તેમ સીએમ અશોક ગહેલોતે લખ્યું હતું.
ગુરમીત સિંહ કુન્નર લાંબા સમયથી બિમાર હોવાને કારણે દિલ્હી AIIMSમાં દાખલ હતા. તબીબોએ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેતા તેમના વતન શ્રીગંગાનગર ખાતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. આ વખતે કરણપુર બેઠક પરથી તેઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા અને હવે તેમનું નિધન થતા આ બેઠક પર ચૂંટણી નહિ યોજાય એટલે કે હવે રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 199 બેઠકો પર જ મતદાન થશે.